વાળ કાપનારની બેદરકારીથી 140 લોકોને કોરોનાવાયરસથી સંક્રમિત કર્યા.
સુરત :
રાજ્યમાં એક તરફ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતની અર્થવ્યવસ્થાને ફરીથી બેઠી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના ચોથા તબક્કામાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા દુકાનો, પાનના ગલ્લા, સલૂન, બ્યુટી પાર્લર, ઓફિસ અને તમામ ધંધા રોજગાર સહિતના ઉદ્યોગોને ખોલવા માટેની છૂટછાટ આપવામાં આવી છે. સાથે સાથે લોકોને રાજ્ય સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનનું કડકાઇથી અમલ કરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે છેલ્લા બે મહિનાથી બંધ પાનના ગલ્લા અને સલૂનોને છૂટ આપતા મોટી સંખ્યામાં લોકોનો ઘસારો પાનના ગલ્લા પર અને સલૂન પર જોવા મળે છે ત્યારે સુરતમાં હેર સલૂનના સંચાલકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આસપાસના વિસ્તારના તમામ સલૂનો બંધ કરાવવામાં આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1421 પર પહોંચી છે. જેમાં અત્યાર સુધીમાં શાકભાજી અને ફ્રુટની લારીવાળા, કરિયાણાની દુકાન વાળા, ડેરી ચલાવનાર અને હેર સલૂનના દુકાનદારોના 76 જેટલા સુપર સ્પ્રેડર્સના કેસો સામે આવી ચૂક્યા છે. તો બીજી તરફ સુરતમાં સુપર સ્પ્રેડર્સને શોધવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શાકભાજીવાળા ફ્રુટવાળા, કરિયાણાની દુકાન ધરાવતા લોકો, હેર સલૂન અને પાનના ગલ્લા ધરાવતા લોકોના ચેકઅપ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરામા સફીરે રેસિડેન્સીમાં રહેતા વૈભવ મહાલે નામના યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વૈભવ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં હેર સલૂન ચલાવે છે.
તો બીજી તરફ નાયબ આરોગ્ય અધિકારી ડૉક્ટર ખત્રીના જણાવ્યા અનુસાર, ચાની લારી, પાનના ગલ્લા અને સલૂન પર સુપર સ્પ્રેડર્સના કોરોનાના કેસ નોંધાયા હોવાના કારણે તંત્ર દ્વારા સુરતના અઠવા વિસ્તારમાં આવેલા તમામ પાનના ગલ્લા, ચાની લારી અને હેર સલૂન બંધ કરાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત સુરતના વરાછા A-ઝોનમાંથી એક વ્યક્તિને પાનની દુકાન પરથી કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું પણ કિસ્સો સામે આવ્યો છે. કમલ પાર્ક સોસાયટીમાં રહેલા શૈલેષ ભીમા નામના પોઝિટિવ દર્દીની હિસ્ટ્રી તપાસતા આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, ઘર નજીક આવેલી દુકાન પર દર્દી પાન, માવો લેવા માટે જતો હતો અને ત્યારથી જ તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા પાનની દુકાનો ગલ્લાઓ સામે ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. જે પાનની દુકાનો પર લોકોની વધારે ભીડ હોય છે, સોશિયલ ડિસ્ટન્સ અથવા તો માસ્કના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોય તેવા કિસ્સાઓમાં 188 જેટલી પાનની દુકાનોને દંડ ફટકારવામાં આવ્યો છે.