ગાંધીનગર મહાપાલિકામાં મહિલા કર્મચારી કોરોના પોઝિટિવ આવતા ફફડાટ.
ગાંધીનગરઃ
રાજ્યના પાટનગરમાં કોરોના વાઈરસ હવે કાબૂમાં રહેતો નથી એવું ચોક્કસ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં અનેક કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે આજે સોમવારે ગાંધીનગર મહાપાલિકામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી પોઝિટિવ આવ્યા છે. કર્મચારીને તાવ આવતો હતો, તે દરમિયાન જ પ્રથમ મીટિંગ યોજી હતી. જેને લઇને હવે સમગ્ર પાલિકામાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, સામાન્ય નાગરિકોને ઘરમાં પૂરતા પદાધિકારીઓ અને સત્તાધીશો હોમ કોરેનટૉઇન થશે કે નહીં ? કારણ કે અગાઉ મહાનગર ભાજપના પદાધિકારીઓ સંપર્કમાં આવ્યા હોવા છતાં ખુલ્લેઆમ ફરતા જોવા મળતા હતા.
ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ આવ્યા બાદ ધડાધડ સમગ્ર વિસ્તાર લૉક કરવામાં આવતો હતો. પરંતુ હવે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતા આશરે 35 વર્ષીય એક મહિલા અધિકારી આજે કોરોના પોઝિટિવ આવ્યા છે. આ અધિકારી લોકડાઉન દરમિયાન ફસાઈ ગયેલા પોતાના સાસુ-સસરાને મુકવા માટે સુરત ગયા હતા. જ્યારે ત્યાં જ તેમના માતા-પિતાને પણ મળવા ગયા હતા, હાલમાં કુડાસણ વિસ્તારમાં વસવાટ કરે છે. હવે મુસીબત એ સામે આવી રહી છે કે, આ મહિલા અધિકારીની ઓફિસ મહાપાલિકા બિલ્ડિંગમાં બીજા માળે આવેલી છે. જ્યારે ગત શુક્રવારે મહાપાલિકા કચેરીના પ્રથમ માળે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં હાજર રહ્યાં હતા. તે દરમિયાન તેમણે તાવ અને શરદીની સમસ્યાથી પીડિત હતા. બીજી તરફ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હાલમાં પણ કાર્યરત છે. જેને લઇને સચિવાલયમાં પણ અનેક ઉચ્ચ અધિકારીઓને આ મહિલા અધિકારી પોતાના કામને લઈને મળવા જતા હતા. બીજી તરફ મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને અનેક વખત મળ્યા છે. ત્યારે સામાન્ય લોકોને કેદ કરતા મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પોતે હોમ ક્વોરેન્ટાઇન થશે કે પછી પાલિકાને કોરોના ગ્રસ્ત કરશે ? આ બાબતને લઇને હાલમાં તો સમગ્ર સ્ટાફમાં ફફડાટ ફેલાઇ ગયો છે.