એક્સરે મશીન બંધ થઇ જતા દર્દીઓએ હોબાળો મચાવ્યો
ગાંધીનગર,બુધવાર તા. 18 જાન્યુઆરી 2017
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વખતથી લાલ્યાવાડી ચાલી રહી છે. જેના કારણે દર્દીના દર્દમાં વધારો થાય છે. આજે હોસ્પિટલમાં એક્સરે મશીન ફરી બંધ થઇ જતા દર્દીઓના સગાએ હોબાળો મચાવ્યો હતો જો કે, આ મશીન તો થોડીવાર પછી ચાલુ થયું હતું પરંતુ છેલ્લા દસ મહિનાથી ‘ડેડ’ થઇ ગયેલા સીટીસ્કેન મશીન બદલાવવામાં તંત્રના સત્તાધીશોને જાણે રસ જ નથી.
એક વર્ષમાં સિવિલનું સીટીસ્કેન મશીન દસ મહિના ‘ડેડ’ રહ્યુંઃનવું મશીન નહીં લગાવાતા દર્દીઓ હેરાન
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં અત્યાર સુધીના ઐતિહાસિક પાંચ લાખથી પણ વધુ દર્દીઓએ સારવાર લીધી હતી. જેમાં ૪.૫૩ લાખ દર્દીઓએ ઓપીડીમાં જ્યારે ૪૮ હજાર જેટલા દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. તે દરમિયાન હોસ્પિટલમાં એક્સરે અને સીટી સ્કેન પણ કરવામાં આવતા હતા.
જેમાં એક વર્ષમાં ૯૨ હજાર જેટલા દર્દીઓના વિવિધ અંગના એક્સરે પાડવામાં આવ્યા હતા. ત્યારે આ એક વર્ષ દરમિયાન ગત જાન્યુઆરી માસમાં ફક્ત ૩૨૧ અને ફેબુ્રઆરી માસમાં ૧૪૮ દર્દીઓનું સીટીસ્કેન કર્યા બાદ છેલ્લા દસ મહિનાથી આ મશીન ડેડ થઇ ગયું છે. જેને રીપેર કરાવવુ વધુ ખર્ચાળ છે ત્યારે નવું મશીન પણ આ સરકારી હોસ્પિટલમાં ફીટ થતું નથી જેના કારણે ગંભીર દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવે છે તો મોટા ભાગના દર્દીઓને ખાનગીમાં વધુ રૃપિયા ખર્ચીને સીટીસ્કેન કરાવવુ પડે છે. તેવી સ્થિતિમાં ઘણા વખતથી ચલાવવામાં આવતા એક્સરે મશીન પણ મૃતપ્રાય અવસ્થામાં ચલાવવામાં આવે છે.
જેમાં એક્સરે મશીન કેટલાક એક્સરે પાડયા બાદ આપોઆપ બંધ થઇ જાય છે. આજે પણ આવી જ રીતે એક્સરે મશીન બનંધ થિ ગયું હતું. જેના કારણે દર્દીઓ અનમે એના સગાઓએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. જો કે, થોડીવાર પછી મશીન શરુ થયું હતું અને દર્દીઓને એક્સરે પાડી આપવામાં આવ્યા હતા.