પેટ્રોલ પંપો ઉપર હજુ કાર્ડ પેમેન્ટનો ચાર્જ કપાય છે!
ગાંધીનગર,બુધવાર તા. 18 જાન્યુઆરી 2017
નોટબંધી બાદ લોકોને ડીજીટલ પેમેન્ટનો ઉપયોગ કરવા માટે કેન્દ્ર સરકાર પ્રેરી રહી છે પરંતુ આ ડીજીટલ પેમેન્ટને કારણે લોકોને વધારાના રૃપિયા પણ ચુકવવા પડી રહયા છે. ેપેટ્રોલ પંપો ઉપર ડીજીટલ પેમેન્ટ કરવાથી કોઈ જ વધારાનો ચાર્જ નહીં વસુલવાની જાહેરાત કરાઈ હોવા છતાં હજુ ગાંધીનગરમાં ઘણાં પેટ્રોલ પંપો ઉપર ડીજીટલ પેમેન્ટ કરવાથી બેંકો વધારાનો ચાર્જ વસુલી રહી છે. ત્યારે આગામી દિવસોમાં આ મુદ્દે હવે નાગરિકો પણ મેદાને આવે તો નવાઈ નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૮ નવેમ્બર મધરાત્રીથી જુની પ૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરી દેતાં સમગ્ર દેશમાં જાણે આર્થિક કટોકટી લાદી દેવામાં આવી હોય તેમ લાગી રહયું છે. ત્યારે દિવસો સુધી બેંકો બહાર લાંબી કતારો જોવા મળી રહી હતી.જો કે આજે શરૃઆતના દિવસો કરતાં સ્થિતિ થોડી સારી કહી શકાય પરંતુ હજુ પણ લોકોને બેંકના આર્થિક વ્યવહારમાં મુશ્કેલીઓ પડી રહી છે. જેને લઈને આર્થિક વ્યવહાર અટવાયો છે અને એટીએમ કાર્ડ નકામાં બની ગયા હતા. ત્યારે હવે સરકારે નોટબંધી બાબતે નિષ્ફળ ગઈ હોય તેમ કેશલેસ તરફ લોકોને વાળી દેવા પ્રયાસો થઈ રહયા છે. મોટી મોટી જાહેરાતો અને પ્રચાર પ્રસારમાં ફકત કેશલેસ પેમેન્ટ અપનાવવાની જ વાતો કરવામાં આવી રહી છે.
ત્યારે કાર્ડ પેમેન્ટથી અમુક ડિસ્કાઉન્ટ મળશે તેવી જાહેરાતો પણ થઈ હતી. પેટ્રોલ પંપ અને જીવન જરૃરી વસ્તુઓની ખરીદી ડેબીટ કે ક્રેડીટ કાર્ડથી કરવા ભાર મુકાઈ રહયો છે ત્યારે ગ્રાહકો આ પ્રકારે કેશલેસ ટ્રાન્જેકશન કરવા જાય તો મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. પેટ્રોલ પંપ ઉપર કાર્ડથી પેમેન્ટ કરો ત્યારે હજારનું ઈંધણ પુરાવો જેની સામે બેંકમાંથી ૧૦૨૮ રૃપિયા કપાઈ ગયા હોવાનો મેસેજ આવે છે. ત્યારે વધારાના ર૮ રૃપિયા બાબતે પેટ્રોલ પંપ ઉપર પૃચ્છા કરાતાં બેંકમાં જવા માટે કહેવાય છે અને બેંકને પુછતા આ બાબતે કોઈ સચોટ જવાબ આપી શકતી નથી. ત્યારે કેશલેસ પેમેન્ટમાં ગ્રાહકોને જ દંડાવાનો વારો આવી રહયો છે.