સાધુના વેશમાં ગઠીયાઓ સોનાની વીંટી સેરવી ગયા
ગાંધીનગર,
ગાંધીનગર શહેરમાં ગઠીયાઓની ગાથાઓ વધી રહી છે ત્યારે શહેરના ઘ-પ પાસે સાધુના વેશમાં કારમાં આવેલા બે ગઠીયાઓએ સરનામું પુછવાના બહાને યુવાનને બેભાન કરી સોનાની વીંટી સેરવી લીધી હતી. આ સંદર્ભે સે-ર૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં ચોરી, ચેઈન સ્નેચીંગના બનાવો ઘટયા છે ત્યારે હવે ગઠીયાઓ સક્રિય થઈ ગયા છે. કોઈને કોઈ રીતે લોકોને વિશ્વાસમાં લઈ તેમના કિંમતી માલસામાનની ચોરી કરી રહયા છે. શહેરના સે-ર૬માં રહેતાં પ્રિતેશ પ્રવિણભાઈ પટેલ નામના યુવાનને સાધુના વેશમાં આવેલા બે ગઠીયાઓનો ભેટો થઈ ગયો હતો.
ઘ-પ પાસે કારમાં આવેલા આ બન્ને ગઠીયાઓએ પ્રિતેશને સરનામું પુછયું હતું અને પ્રિતેશે સરનામું બતાવતાં આ ઠગ સાધુઓએ કહયું હતું કે તુને હમકો રાસ્તા દિખાયા હૈ, હમ તુઝે રાસ્તા દિખાતે હૈ તેમ કહી તેને એક ફુલ સુંઘવા માટે આપ્યું હતું. પ્રિતેશે આ ફુલ સુંઘતાની સાથે જ બેભાન થયો હતો અને તેના હાથમાં રહેલી સોનાની વીંટી આ ઠગોએ સેરવી લીધી હતી. ભાનમાં આવેલા પ્રિતેશને છેતરાયાનો અહેસાસ થતાં આ સંદર્ભે સે-ર૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે જેના આધારે પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.