ગાંધીનગર નાગરીક કો-ઓ. બેન્કનાં પ્યુન પર હુમલો: ઘટના CCTVમાં કેદ થઇ
ગાંધીનગર:ગાંધીનગર શહેરનાં સેકટર 16 સ્થિત ગાંધીનગર નાગરીક કો-ઓપરેટીવ બેન્કમાં ફરજ બજાવતા એક વડીલ સેવક પર પૈસાનાં ખુલ્લા કરાવવા આવેલા પેથાપુરનાં નામચીન શખ્સે હુમલો કરીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. જે અંગે બેન્ક તંત્રએ પોલીસ ફરીયાદ નોંધાવવાને બદલે હાથ ધોઇ નાંખતા ખુદ સેવક પોલીસ ફરીયાદ માટે પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. સેવક સાથેની મારામારીની સમગ્ર ઘટના બેન્કનાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા સજ્જડ પુરાવો મળી ગયો છે.
નાગરીક કો-ઓપરેટીવ બેન્કમાં ગત મંગળવારે સામે આવેલી આ ઘટનાને દબાવી દેવા ભરપુર પ્રયાસો થયા છે. પ્રાપ્ત વિગતોનુંસાર ગાંધીનગર પાસેનાં સરગાસણ સામે રહેતા 53 વર્ષિય વિષ્ણુભાઇ ડાહ્યાભાઇ પટેલ બેન્કમાં સેવક તરીકે ફરજ બજાવે છે. ગત તા 16મીનાં રોજ પેથાપુરમાં રહેતો એક નામચીન શખ્સ રૂ. 10 હજારનાં ખુલ્લા લેવા બેન્કમાં આવ્યો હતો અને ચેરમેન ધનશ્યામ પટેલની ઓફિસમાં ગયો હતો. જેની થોડીવાર બાદ ડીરેક્ટરની ચેમ્બરમાં વિષ્ણુભાઇને બોલાવ્યા હતા. જયાંથી વિષ્ણુભાઇને પેથાપુરનાં શખ્સ દ્વારા રૂ. 5 હજારનાં દરની 5 નોટો ખુલ્લા કરાવવા કેશીયર પાસે મોકલવામાં આવ્યા હતા.
વિષ્ણુભાઇ કેશીયર પાસેથી રૂ. 100ની દરની રૂ. 10 હજારની નોટો લઇને ચેરમેનની ચેમ્બરમાં ગયા હતા અને તે પૈસા ખુલ્લા કરાવવા આવેલા શખ્સને આપ્યા હતા. જેના બિજા દિવસે આ શખ્સ ફરી આવ્યો હતો અને તેમણે રૂ. 20 હજાર ખુલ્લા કરાવવા આપ્યા હોવાનું જણાવી વિષ્ણુભાઇને સાઇડમાં લઇ જઇને કોલર પકડીને ફેટો મારવાનું શરૂ કરી દીધુ હતુ. જો કે વિષ્ણુભાઇને 5 જ નોટો આપવામાં આવી હોવાનું કેશીયર ઓફિસનાં કેમેરામાં પણ દેખાય છે. ત્યારે આ સમગ્ર ઘટના બેન્કનાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.