ગાંધીનગર તાલુકાના તમામ સરપંચ અને તલાટી સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિડિયો કોન્ફરન્સથી બેઠક કરી
ગાંધીનગર :
મહેસુલી વર્ષ પૂર્ણ થવાને આરે હોઇ મહેસુલી વસુલાતની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવા ગાંધીનગર તાલુકાના તમામ ગામના સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓને જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાલિની દુહાને જણાવ્યું હતું.
ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાલિની દુહાને આજે ગાંધીનગર તાલુકાના તમામ ગામના સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓની સાથે વિડિયો કોન્ફરન્સના માઘ્યમથી એક બેઠક યોજીને વાતચીત કરી હતી. તેમણે આ બેઠકમાં ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સરકારશ્રી દ્વારા અપાયેલ ગાઇડલાઇનનું સુચારું રીતે અમલવારી થાય તે માટે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે ગ્રામજનો ખરીદી કરવા, દૂધ ભરાવવા કે અન્ય કામ અર્થે ગામની બહાર નીકળે ત્યારે માસ્ક ફરિજીયાત પહેરે અને સોશ્યિલ ડિસ્ટન્સીંગનું ખાસ પાલન થાય તેની ખાસ તકેદારી રાખવા માટે પણ સૂચના આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાલિની દુહાને વધુમાં આ બેઠકમાં ચોમાસામાં અતિ ભારે વરસાદ આવે ત્યારે ગામમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તેની પ્રાથમિક માહિતી મેળવી હતી. તેમણે ચોમાસાની ઋતુ દરમ્યાન કયાં પાણી ન ભરાઇ રહે અને ગામમાં સ્વચ્છતા રહે અને રોગચાળો ન ફેલાય તે માટે ખાસ તકેદારી રાખવા માટે પણ જણાવ્યું હતું. તેની સાથે સાથે મનરેગા અંતર્ગત અને વનીકરણની કામગીરી સારી માત્રામાં થાય તે માટે જણાવ્યું હતું. તેમજ વિકાસના કામોની વિગતો મેળવી તેની સમીક્ષા કરી હતી.