ગાંધીનગર જિલ્લામાં આઠ સહકારી બેંકો દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત રૂપિયા ૧ કરોડ ૩૧ લાખથી વધુનું ઘિરાણ
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લા રાજય સરકારની આત્મનિર્ભર યોજના અંતર્ગત વિવિધ સહકારી બેંકો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા બેઠક આજરોજ જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યના અઘ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
આ બેઠકના આરંભ જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કારણે બે – અઢી માસથી આર્થિક સાયકલની ગતિ મંદ થઇ ગઇ છે. જેમાં ગાંધીનગર જિલ્લાના નાના વેપારીઓ અને ફેરિયાઓને તેની અસર વઘુ થઇ છે. આર્થિક સાયકલને બળ આપવાના ઉમદા આશયથી રાજય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલી બનાવી છે. જેમાં આપ જેવી સહકારી બેંકોની ભૂમિકા મહત્વ પૂર્ણ છે.
તેમણે બેઠકમાં ઉપસ્થિત જિલ્લાની આઠ સહકારી બેકોંના ચેરમેન, મેનજીંગ ડિરેટકરશ્રીઓ અને અધિકારીઓ પાસેથી કેટલા ફોર્મનું વિતરણ થયું, કેટલા ફોર્મ ભરીને પાછા આવ્યા અને કેટલા વ્યક્તિઓને આ યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવી તેની માહિતી મેળવી હતી. તેમણે તમામ બેંકોના અગ્રણીશ્રીઓને આ દિશામાં સુચારું આયોજન કરીને વધુમાં વઘુ મઘ્યમ અને નાના વ્યવસાયકારોને આ સહાયનો લાભ મળી તેવું ગોઠવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રીએ બેંકો તરફથી રજૂ થયેલ વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા. તેના સંતોષકારક ઉત્તર આપી આ કાર્યને જિલ્લામાં સારી રીતે સાર્થક કરવા માટે પણ જણાવ્યું હતું.
ગાંધીનગર જિલ્લા સહકારી રજિસ્ટ્રાર શ્રીમતી શ્વેતાબેન પટેલે જિલ્લાની સહકારી બેંકોમાં આ યોજના અંતર્ગત થયેલ કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં ગાંધીનગર નાગરિક કો.ઓ.બેંક દ્વારા ૪૩૧ ફોર્મનું, ગાંધીનગર અર્બન કો.ઓ.બેંકે ૨૭૮ ફોમર્નું, ચરાડા નાગરિક કો.ઓ. બેંકે ૩૮૫ ફોર્મનું, લોદરા નાગરિક કો.ઓ. બેકે ૨૨૦ ફોર્મ મળી કુલ- ૧૩૧૪ વેપારીઓને ફોર્મનું વિતરણ કર્યું છે. જેમાંથી ૩૦૧ અરજીઓ ભરાઇને બેંકમાં આવી છે. તે પૈકી ૨૦૦ અરજીઓ માન્ય કરીને રૂપિયા ૧ કરોડ ૩૧ લાખ ૨૫ હજારની રકમની લોનની મંજૂરી કરવામાં આવી છે. બાકીના અરજદારોની અરજીઓ પર કામગીરી ચાલું છે. તેમજ કલોલ નાગરિક સહકારી બેંક દ્વારા તાજેતરમાં ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યા છે. જેમાના થકી ૫૪ વ્યક્તિઓને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. માણસા નાગરિક કો.ઓ. બેંક દ્વારા પણ બેંકના ડિરેકટરશ્રીઓની યોજાયેલ બેઠકમાં નિર્ણય કરીને આ યોજના અંતર્ગત રૂપિયા ૨.૫૦ કરોડનું ઘિરાણ કરવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું.
આ બેઠકમાં ગાંધીનગર નાગરિક કો.ઓ. બેંક લિ, ગાંધીનગર અર્બન કો.ઓ. બેંક, કલોલ નાગરિક કો.ઓ. બેંક, માણસા નાગરિક કો.ઓ. બેંક, ચરાડા નાગરિક કો.ઓ. બેંક, લોદરા નાગરિક કો.ઓ. બેંક, રાંધેજા કોર્મોશિયલ કો.ઓ. બેંક અને કલ્યાણ કો.ઓ. બેંક ના ચેરમેનશ્રીઓ, મેનેજીગ ડિરેટકરશ્રીઓ અને મેનેજરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.