દેશ ખાતર બીસીસીઆઇએ ચીની સ્પોન્સર્સ સાથે છેડો ફાડી નાંખવો જોઈએ : નેસ વાડિયા
નવી દિલ્હી :
ભારતીય ક્રિકેટ બોર્ડની હાઈપ્રોફાઈલ લીગ – આઇપીએલની ટાઈટલ સ્પોન્સર કંપની જ ચીની છે અને બીસીસીઆઇ હાલના તબક્કે તેની સાથે કરાર તોડી શકે તેમ નથી. જોકે કિંગ્સ ઈલેવન પંજાબના માલિક નેસ વાડિયાએ બીસીસીઆઇને સલાહ આપી છે કે,દેશને ખાતર બીસીસીઆઇ ચીની સ્પોન્સર સાથે છેડો ફાડી નાંખે. દેશ પહેલા આવે છે, પછી નાણાં અને વધુમાં મહત્વની વાત એ છે કે, આ ઈન્ડિયન પ્રીમિયર લીગ છે, નહી કે ચાઈનીઝ પ્રીમિયર લીગ. બીસીસીઆઇએ આ મામલે નેતૃત્વ લેવું જોઈએ અને ઉદાહરણ રજુ કરવું જોઈએ.
વાડિયાએ કહ્યું હતુ કે, એ વાત સાચી છે કે, તત્કાળ સ્પોન્સર્સ મળવા આસાન હોતા નથી, પણ મને ભરોસો છે કે, દેશમાં એવા ઘણા સ્પોન્સર્સ છે કે, જેઓ તેનું સ્થાન લઈ શકે તેમ છે. આપણને દેશ માટે, સરકાર માટે અને સૌથી વધુ તો આપણા માટે જાન જોખમાં મૂકતા સૈનિકો પ્રત્યે આદર હોવો જ જોઈએ.
ચીન સાથે ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા. જે પછી ભારત સરકારે ચીનની ૫૯ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. વાડિયાએ તો તેનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધું છે. જોકે અન્ય ફ્રેન્ચાઈઝી આ અંગે જાહેરમાં કશું બોલવા માટે તૈયાર નથી. મીડિયા રિપોર્ટમાં ચેન્નાઈના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતુ કે, સરકાર જે નિર્ણય કરે તે ખરો. અન્ય ટીમના સૂત્રોએ પણ સરકારને નિર્ણય લેવા દેવા માટેનું નિવેદન આપ્યું હતુ.
વાડિયાએ કહ્યું કે, જો હું બીસીસીઆઇનો પ્રમુખ હોંઉ તો કહી દઉં કે આગામી સિઝન માટે મને નવો સ્પોન્સર શોધી આપો. હાલની મુશ્કેલ ઘડીમાં સરકારના નિર્ણયની રાહ જોવાની ન હોય. આપણી પણ નૈતિક જવાબદારી બને છે.