ગુજરાત

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેરથી હરખની હેલી : ગાજવીજ સાથે અડધાથી ત્રણ ઇંચ વરસાદ

રાજકોટ :

સૌરાષ્ટ્રમાં ચોમાસાનાં આગમન બાદ 15 દિવસ સહ જોવડાવ્યા પછી અંતે આજે પ્રથમ વખત સાર્વત્રિક મેઘમહેર વરસતા લોકોમાં હરખની હેલી ઉમળી હતી. આજે તમામ જિલ્લામાં હળવા – ભારે ઝાપટાથી માંડીને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડતા ખેતી પાકને પણ નવજીવન મળ્યું છે. આજે સૌથી વધુ કાલાવડ અને કૂવાડવામાં ત્રણ – ત્રણ વરસાદ વરસ્યો હતો. જ્યારે વેરાવળ અને ધરાઇમાં અઢી ઇંચ ઉપરાંત લોધીકા, સાણથલી, ધ્રોલ, ફલ્લા, સુત્રાપાડા, ગીરગઢડા, મેંદરડા, નાગેશ્રીમાં બે ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો.

રાજકોટ શહેરમાં આજે સવારે 11 વાગ્યા બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને બે કલાકમાં પ્રચંડ ગાજવીજ સાથે એકથી બે ઇંચ વરસાદ વરસી જતાં માર્ગો જળબંબોળ બન્યા હતા. એ જ રીતે રાજકોટ જિલ્લામાં આજે કોટડાસાંગાણીમાં ધોધમાર દોઢ ઇંચ, લોધીકામાં બે ઇંચ, પડધરીમાં પોણો ઇંચ, ગોંડલ અને વિંછીયામાં અડધો ઇંચ તથા ઉપલેટા, જેતપુર, જસદણ, જામકંડોરણા, ધોરાજીમાં 2 – 4 મી.મી. નાં ઝાપટા વરસ્યા હતા. રાજકોટની ભાગોળે કૂવાડવા ઉપરાંત આસપાસનાં સામપર, ગુંદા, મઘરવાડા, રફાળા, ખેરડી, કુચીયાદળ, રામપરા, બેટી, રાણપુર, જીયાણા વગેરે ગામોમાં સવારે 11 થી 1 વાગ્યા વચ્ચે ગાજવીજ સાથે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.

જસદણનાં સાણથલી ગામે પણ ધોધમાર બે ઇંચ વરસાદ પડયો હતો.

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ઉકળાટભર્યા વાતાવરણ પછી આજે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને સાડા બારેક વાગ્યાના અરસામાં ભારે ગાજવીજ પછી વરસાદ શરૂ થયો હતો. જેથી જામનગર વાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ હતી. બે વાગ્યા સુધીમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત જામનગર તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. જામનગર જિલ્લાના કાલાવડમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અને ચાર કલાકના સમયગાળા દરમિયાન ત્રણે ઇંચ વરસાદ વરસી ગયો હતો. કાલાવડ ના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં પુર આવ્યા હતા. બપોરે બે વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ પાણી પડી ગયું હતું. જ્યારે ધ્રોલમાં આજે સવારે ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. અને બપોરે 1 વાગ્યા સુધીમાં 2 ઇંચ પાણી પડી ગયું હતું. ફલ્લામાં પણ બે ઇંચ મેઘમહેર થઇ હતી.

આ ઉપરાંત જોડિયા પણ આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારે આઠ વાગ્યાથી ધીમીધારે પોણો ઇંચ વરસાદના કારણે મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા.

જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી મેઘાવી માહોલ સાથે ધીમીધારે વરસાદ થયો હતો. જેમાં મેંદરડામાં સવારે બે કલાકમાં બે ઇંચ વરસાદ થયો હતો અને રસ્તા પર તથા ખેતરોમાં પાણી વહેવા લાગ્યા હતા. હાલ આ વરસાદથી મગફળી સહિતના પાકનો ફાયદો થાય તેમ હોવાથી ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. જ્યારે માળીયા હાટીનામાં દોઢ ઇંચ, વરસાદ થયો હતો. તો વિસાવદર અને માંગરોળ પંથકમાં એક – એક ઇંચ વરસાદ વરસ્યો હતો અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આ ઉપરાંત કેશોદમાં અડધો ઇંચ અને ભેંસાણમાં દોઢ ઇંચ તેમજ માણાવદરમાં નવ મી.મી. વંથલીમાં તથા જૂનાગઢમાં ચાર – ચાર મી.મી. વરસાદ વરસ્યો હતો. જૂનાગઢમાં બપોર બાદ તડકો નીકળતા ફરી બફારાનો અનુભવ થયો હતો.

પોરબંદર શહેર અને તેની આસપાસના વિસ્તારમાં બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન કુલ 16 મી.મી. જેટલો વરસાદ વરસ્યો હતો. જેના કારણે આ વિસ્તારમાં અને આજુબાજુમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા અને કીચડ – ગંદકીનું સામ્રાજ્ય છવાઇ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં આવી પરિસ્થિતિ ઉભી થઇ છે, તેવી જ રીતે નજીકના કુતિયાણામાં બે મી.મી. અને રાણાવાવમાં 3 મી.મી. વરસાદ વરસ્યો હતો. ચારે બાજુ હળવા ઝાપટા પડયા હતા.

ખંભાળિયા પંથકમાં છેલ્લા બે દિવસથી અસહ્ય બફારા અને ઉકળાટથી બાદ આજે સવારથી મેઘાવી માહોલ છવાયો હતો અને સાડા બારેક વાગ્યે ધીમીધારે શરૂ થયેલા વરસાદી ઝાપટાએ થોડીવારમાં જ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. વીજળીના ઐતિહાસિક ગડગડાટ અને કડાકા-ભડાકા સાથે મોડી સાંજ જેવો માહોલ છવાઈ ગયો હતો અને ઘટાટોપ મેઘાવી વાતાવરણ વચ્ચે ભારે ઝાપટારૂપે શરૂ થયેલા વરસાદથી શહેરના માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. જોકે થોડી જ વારમાં ધીમો પડી ગયેલો આ વરસાદ બપોર પછી સાવ બંધ થઈ ગયો હતો અને સાંજે ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા.

ખંભાળિયા પંથકમાં આજે દિવસ દરમ્યાન 22 મી. મી. વરસાદ વરસી ગયો હતો. આ સાથે મોસમનો કુલ વરસાદ 255 મી. મી. સુધી પહોંચ્યો છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ દોઢથી બે ઈંચ સુધીનો સાર્વત્રિક વરસાદ વરસ્યાના વાવડ છે. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આજરોજ બપોરે બે થી ચાર દરમિયાન 21 મી. મી. જ્યારે દ્વારકા પંથકમાં આજે ધીમીધારે 16 મી.મી. અને ભાણવડ તાલુકામાં હળવા ઝાપટાં સ્વરૂપે માત્ર ચાર મીલીમીટર વરસાદ વરસ્યો છે.

અમરેલી જિલ્લામાં આજે સવારથી જ મેઘો મંડાના સર્વત્ર અડધાથી અઢી ઇંચ વરસાદથી પાણી છવાઇ ગયા હતા. જાફરાબાદના નાગેશ્રી પંથકમાં ધોધમાર બે ઇંચ જેટલા વરસાદથી નદી – નાળા છલકાયેલા હતા. આજે અમરેલી પોણો ઇંચ, ખાંભા – લીલીયા 1। ઇંચ, બગસરા -લાઠી – 1 ઇંચ, સા.કુંડલા – જાફરાબાદ પોણો ઇંચ, તેમજ ધારી, બાબરામાં અડધો ઇંચ વરસાદ પડેલ હતો. વાવણી બાદ સારા અને સમયસર વરસાદથી ખેતી પાસેને મોટો ફાયદો થયો છે. બાબરાના ધરાઇ ગામે એક કલાકમાં સાંબેલાધારે અઢી ઇંચ વરસાદથી, જળબંબાકાર થયો હતો. જેથી બાલમુકુંદજી નદીમાં પુર આવ્યું હતું.

સોમનાથ જિલ્લામાં વેરાવળ – સુત્રાપાડા વિસ્તારમાં સતત વરસાદી વાતાવરણ રહ્યું છે. 12 કલાકમાં વેરાવળ શહેરમાં 57 મીલીમીટર, સુત્રાપાડામાં 44 મીલીમીટર વરસાદ પડેલો હતો. આ વરસાદ પડતા મુખ્ય બજાર, સટ્ટા બજાર, સુભાષ રોડ, ગાંધી ચોક, બસ સ્ટેન્ડ સહિત વિસ્તારોમાં પાણી ભરાઇ ગયેલા હતા તેમજ અનેક જગ્યાએ લાઇટો બંધ થઇ હતી. આ ઉપરાંત ઉના 20, કોડીનાર 19, ગીરગઢડા 42, તાલાલા 23, વેરાવળ 57, સુત્રાપાડ 44, મીલીમીટર વરસાદ પડેલો છે. આ વરસાદથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારના બન્ને બાજુના રોડમાં પાણી ભરાઇ ગયેલા હતા. જેથી રાહદારીઓ, વાહન ચાલકોને મુશ્કેલી પડતી હતી. સુત્રાપાડાનાં લોછવા ગામે દોઢ ઇંચ વરસાદથી આનંદ છવાયો હતો.

મોરબી અને બોટાદ જિલ્લામાં આજે કેટલાક સ્થળોએ હળવા – ભારે ઝાપટા પડયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટા – છવાયા ઝાપટા વચ્ચે ચોટીલામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ભાવનગર જિલ્લામાં આજે જેસર અને ઘોઘામાં દોઢ ઇંચ તો ભાવનગર અને પાલીતાણામાં એક ઇંચ તેમજ ગારીયાધાર, તળાજા અને મહુવામાં પોણો ઇંચ વરસાદ પડતા ઠંડક પ્રસરી હતી.

ક્યાં – કેટલો વરસાદ

રાજકોટ  1.00

કો.સાંગાણી  1.50

લોધીકા  2.00

પડધરી  0.75

ગોંડલ  0.50

વિંછીયા  0.50

કૂવાડવા  3.00

સાણથળી  2.00

કાલાવડ  3.00

ધ્રોલ  2.00

ફલ્લા  2.00

જામનગર  1.00

જોડીયા  0.75

ધારી  0.50

બાબરા  0.50

વેરાવળ  2.50

સુત્રાપાડા  2.00

ગીરગઢડા  2.00

ઉના  1.00

કોડીનાર  0.75

તાલાલા  1.00

મેંદરડા  2.00

મા.હાટીના  1.50

વિસાવદર  1.00

માંગરોળ  1.00

પોરબંદર  0.75

ખંભાળીયા  1.00

કલ્યાણપુર  1.00

દ્વારકા  0.75

નાગેશ્રી  2.00

ધરાઇ  2.50

અમરેલી  0.75

ખાંભા  1.25

લીલીયા  1.25

બગસરા  1.00

લાઠી  1.00

સા.કુંડલા  0.75

જાફરાબાદ  0.75

ભેંસાણ  1.50

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x