કોરોના વાયરસે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હંફાવ્યુ, 6 મહિનામાં રૂપિયા 1565 કરોડનો ફટકો.
મુંબઇ :
કોરોના વાયરસના પ્રકોપને કારણે બોલીવૂડનું ૨૦૨૦નું વરસ બહુ ખરાબ જઇ રહ્યું છે. ૧૦૦ થી અધિક દિવસોથી પૂરા દેશમાં થિયેટરો બંધ પડયા છે. પરિણામે હિંદી બોક્સ ઓફિસ પર બહુ ખરાબ પ્રભાવ પડયો છે. બોલીવૂડને સખત આર્થિક ફટકો પડયો છે. સાલ ૨૦૧૯ અને ૨૦૨૦ની સરખામણી કરતાં આંકડાઓ બહાર આવ્યા છે.
સાલ ૨૦૨૦ની શરૂઆતમાં થોડી ફિલ્મોએ સારી કમારી કરી લીધી નહીં તો પરિસ્થિતિ વધુ ખરાબ હોત. ફિલ્મ તાનાજી : ધ અનસંગ વોરિયરે રૂપિયા ૨૭૯.૫૫ કરોડનો વ્યવસાય કર્યો. સ્ટ્ટી ડાન્સર ૩ ડીનો ૬૮. ૨૮ કરોડનો કારોબાર હતો. શુભ મંગલ જ્યાદા સાવધાન રૂપિયા ૬૦.૭૮ કરોડ અને બાગી ૩ એ રૂપિયા ૯૩.૯૭ કરોડનું બોક્સ ઓફિસ કલેકશન કર્યું. આ રીતે પહેલા હાફમાં લગભગ રૂપિયા ૭૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી જ્યારે બીજા હાફની કમાણી ઝીરો છે.
૨૦૧૯માં પહેલા જ હાફમાં બોલીવૂડની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રૂપિયા ૨૩૪૦ કરોડ રૂપિયાનું કલેકશન કર્યું હતું. તેથી જ ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૦ના પ્રથમ હાફમાં ૧૫૬૫ કરોડ રૂપિયાનું નુકસાન થયાની ગણતરી છે. હજી પણ ફિલ્મો રિલીઝની કોઇ સંભાવના દેખાતી નથી. તેથી બોલીવૂડની બોક્સ ઓફિસના કલેકશનનું અંતર સમયની સાથે વધતુ જવાનું છે.