ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે હિમાંશુ પંડયાની પુન: નિમણૂક
અમદાવાદ :
ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ.હિમાંશુ પંડયાની જ ફરી નિમણૂંક કરવામા આવી છે. છેલ્લા ઘણા દિવસોથી કુલપતિને લઈને ચાલતી અટકળો વચ્ચે સરકારે આજે વિધિવત રીતે ઓર્ડર કરી દીધો છે અને આ સાથે ફરી એકવાર સર્ચ કમિટીની પ્રક્રિયા ફારસ સાબીત થાય છે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે હિમાંશુ પંડયાની ત્રણ વર્ષની ટર્મ ગત 16મી મેના રોજ પૂર્ણ થઈ હતી અને સરકારે તેઓને તરત જ રીપિટ ન કરી ઓર્ડર ન કરતા ઈન્ચાર્જ કુલપતિ તરીકે ઉપકુલપતિ જગદિશ ભાવસારને કામચલાઉ ધોરણે બેસાડી દીધા હતા.
દરમિયાન છેલ્લા ઘણા દિવસોથી નવા કુલપતિને લઈને અટકળો ચાલતી હતી ત્યારે સરકારે આજે વિધિવત રીતે નવા કુલપતિનો ઓર્ડર કરતા હિમાંશુ પંડયાની જ નિમણૂંક કરી છે. સરકારે 6 મહિના પહેલા સર્ચ કમિટી નીમી હતી પરંતુ 6 મહિનાની લાંબી પ્રક્રિયા પણ માત્ર નામની હોય તેમ ફરી એકવાર સર્ચ કમિટી ફારસ જ રહી છે.
સરકાર પાસે આમ પણ કુલપતિ તરીકે સારા ઉમેદવારનો કોઈ વિકલ્પ ન હતો પરંતુ તેમ છતાં પણ સરકાર પોતાનું વજુદ કે પાવર દેખાડવા માંગતી હોય દોઢ મહિના સુધી નિમણૂંક લટકાવી રાખી અને મોડું થતા હિમાંશુ પંડયાએ પણ આશા છોડી દીધી હતી.જો કે અંતે રીડેવલપમેન્ટ, રીનોવેશન, રેન્ક અને રાજકારણ ફળતા રિપીટ ટર્મ મળી ગઈ છે.
આમ તો ટર્મ રીપિટ છે પરંતુ હવે કુલપતિ માટે કપરા ચઢાણ છે.કારણકે મોકુફ થયેલી પરીક્ષાઓ, મેરિટ બેઝ પરિણામો અને પારદર્શિતાની માંગ સાથે પ્રવેશ સહિતના પડકારો ડૉ.પંડયા સામે છે.જ્યારે સાયન્સ ફેકલ્ટીના પ્રોફેસર એવા ડૉ.પંડયાની ફરી નિમણૂંક થતા તેમની નજીકના પ્રોફેસરો અને કર્મચારીઓ ભારે ખુશ થયા છે પરંતુ વિરોધીઓ ભારે નારાજ થયા છે.