ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની આંતરરાષ્ટ્રીય ટેનિસ મેચ ફિક્સંગના આરોપસર ધરપકડ
મેલબોર્ન :
ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની આંતરરાષ્ટ્રીય ટેનિસ મેચ ફિક્સંગના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપ મૂક્યો છે કે, આ બે વ્યક્તિઓએ ૨૦૧૮માં બ્રાઝિલ અને ઈજીપ્તની ટેનિસ ટુર્નામેન્ટમાં ફિક્સિંગ કર્યુ હતુ. રાજેશ કુમાર અને હરસિમરત સિંઘ નામના બે વ્યક્તિઓની મેલબોર્ન પશ્ચિમ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.
સીડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલ અનુસાર વિક્ટોરિયા પોલીસને શંકા છે કે, આ બંને વ્યક્તિઓ અન્ય ટુર્નામેન્ટના ફિક્સિંગમાં પણ સંડોવાયેલા હોવાનું મનાય છે. અહેવાલ જણાવે છે કે, ભારતના કથિત ફિક્સરોનું એક જૂથ યુરોપ અને આફ્રિકાના લો રેન્ક ખેલાડીઓને ફસાવીને ેતમને ફિક્સિંગ અનુસાર મુકાબલા ખેલવા માટે તૈયાર કરતું. આ નેટવર્ક વૈશ્વિક ટુર્નામેન્ટ્સ માટે ગોઠવવામાં આવતું હતુ. રિપોર્ટ જણાવે છે કે, ભારતીય મૂળના આ બંને વ્યક્તિઓની ધરપકડ મે-૨૦૧૮માં પણ થઈ હતી. તેઓ પર ત્યારે ૩.૨૦ લાખ ડોલર જેટલી રકમનો સટ્ટો જીતવા માટે ફિક્સિંગ કર્યું હોવાનો આરોપ હતો.
વિક્ટોરિયા પોલીસે સબમીટ કરેલા દસ્તાવેજો અનુસાર રવિન્દર દાંડીવાલને મેચ ફિક્સિંગ અને સટ્ટેબાજી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવવામાં આવ્યો હોવાનું અહેવાલ જણાવે છે. દાંડીવાલ એ કથિત રીતે હરસિમરત સિંઘનો સંબંધી છે. જોકે તેની પર વિક્ટોરિયા પોલીસે કોઈ આરોપ મૂક્યો નથી.