આઈબ્રો થ્રેડીંગ વર્ક માટે મહિલાઓની ચિંતા દૂર કરતો નવો ઇનોવેટિવ આઇડિયા
ક્લાયન્ટને સૌથી નજીકથી કરવા પડતાં આઈબ્રો થ્રેડીંગ માટે બ્યુટિશિયન્સ પણ અવઢવમાં હતા : ગાંધીનગરના બ્યુટિશિયન ભાવના રામીએ આઈબ્રો થ્રેડીંગ માટે નવો પ્રયોગ અજમાવ્યો
ગાંધીનગર :
કોરોના કોવિડ-૧૯ વાયરસને કારણે ફેલાયેલી કટોકટીમાં છેલ્લા પાંચેક માસથી દેશભરમાં ચિંતાની સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિમાં મહિલાઓ માટે બ્યુટી પાર્લરનો વ્યવસાય પણ જે ઘણા સમયથી ઠપ્પ હતો તે ફરી હવે ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે અને આ વ્યવસાયમાં પણ ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. બ્યુટી પાર્લરના વ્યવસાયમાં આઈબ્રો થ્રેડીંગનું કામ કારતી વખતે થ્રેડને બ્યુટિશિયને પોતાના મોમાં રાખીને ક્લાયન્ટના ચહેરા પર કામ કરવાનું હોય છે જે સ્થિતિમાં તે ક્લાયન્ટને તો માસ્ક પહેરાવી શકે પરંતુ પોતે માસ્ક પહેરી શકવા અસમર્થ હોય છે. આ સ્થિતિમાં મહિલાઓ આઈબ્રો થ્રેડીંગનું કામ કરાવવાનું જોખમ લેવા તૈયાર નહોતા થતાં જે બાબતે ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં રામી બ્યુટી કેર ના બ્યુટિશિયન ભાવના રામીએ એક ઇનોવેટિવ પ્રયોગ કરીને તેમની આ મુશ્કેલીને દૂર કરી છે.
રામી બ્યુટી કેરના બ્યુટિશિયન ભાવના રામીએ જણાવ્યુ હતું કે પહેલા તો બ્યુટિશિયને તેના ક્લાયન્ટની ખૂબ નજીક રહીને કામ કરવું પડતું હોવાથી બ્યુટિશિયન્સ દ્વારા પણ પોતે અને ક્લાયન્ટે ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવો, કામ શરૂ કરતાં પહેલા અને પછી તેમજ કામ દરમ્યાન પણ વારંવાર તમામ સાધનો સેનેટાઈઝ કરવા જેવા સુરક્ષાના પગલાં લઈને અમે કામ શરૂ કર્યું છે. જોકે આ દરમ્યાન આઈબ્રો થ્રેડીંગ કેવી રીતે કરવું તે અંગે અમને અને ક્લાયન્ટને પણ ખૂબ મૂંઝવણ હતી અને તેના માટે વેક્સ આઈબ્રોનો વિકલ્પ છે પરંતુ તે થ્રેડીંગ કરતાં મોંઘું પડતું હોવાથી દરેક ક્લાયન્ટને તે પોસાય તેમ નથી હોતું. આ સ્થિતિમાં મે ઘણો વિચાર કરીને એક એવો વિકલ્પ તૈયાર કર્યો છે જેમાં આઈબ્રો થ્રેડીંગ જ કરવા છતાં અમારે થ્રેડને મોમાં રાખવો નથી પડતો અને આઈબ્રો થ્રેડીંગ કરતી વખતે પણ માસ્કનો ઉપયોગ આસાનીથી કરી શકું છું. મારો આ પ્રયોગ બ્યુટી પાર્લરનું કામ કરતી દરેક બ્યુટિશિયન્સ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. હવે મહિલાઓ તેમની પાસે આઈબ્રો થ્રેડીંગ હોંશે હોંશે કરાવે છે અને ત્યારે ક્લાયન્ટ અને બ્યુટિશિયન બંને સુરક્ષિત પણ રહી શકે છે.
કેવી રીતે કામ કરે છે આ ઇનોવેટિવ આઇડિયા?
બ્યુટિશિયન ભાવના રામીએ જણાવ્યુ હતું કે મે એક એવો થ્રેડીંગ બેલ્ટ બનાવ્યો છે જેમાં નિશ્ચિત ભાગે એક ખાસ પ્રકારનો હૂક લગાડ્યો છે જેના પર થ્રેડને બાંધીને હું આઈબ્રો થ્રેડીંગનું કામ કરું છું. કામ દરમ્યાન ક્લાયન્ટને તો માસ્ક ફરજિયાત હોય જ છે અને આઈબ્રો થ્રેડીંગ કરવા માટે હું પહેલા મારા ચહેરા પર માસ્ક પહેરી લઉં છું અને ત્યારબાદ તેની ઉપર થ્રેડીંગ બેલ્ટને પહેરી આઈબ્રો થ્રેડીંગ કરું છુ જેના કારણે હું પણ સુરક્ષિત રહી શકું છું અને ક્લાયન્ટ પણ પોતે મારાથી સુરક્ષિત રહે છે.