ગાંધીનગર: રાષ્ટ્રગીતથી પાટીદાર બિઝનેસમેનના પુત્રના રિસેપ્શનની કરી શરૂઆત
ગાંધીનગર:18 જાન્યુઆરીએ ગાંધીનગરના સેક્ટર 26માં આવેલા ગ્રીન સીટીમાં રહેતા બિઝનેસમેન નરેન્દ્રભાઈ પટેલે પોતાના પુત્ર નિસર્ગના લગ્ન ધર્મિષ્ઠા સાથે થયા બાદ પાર્ટી પ્લોટમાં રિસેપ્શનનું આજોયન કર્યું હતું જેમાં તેમણે રિસેપ્શનની શરૂઆત રાષ્ટ્રગીતથી કરી હતી. એટલું જ નહીં રિસેપ્શનમાં અન્નનો બગાડ ન થાય તે માટે બહુ સરસ આયોજન કર્યું હતું. રિસેપ્શનમાં અન્નનો બગાડ ન થાય તે માટે મહેમાનોને પ્રોત્સાહન તરીકે કવર આપવામાં આવ્યા હતાં.
નરેન્દ્રભાઈ પટેલના પરિવારમાં કોણ શું કરે છે
નરેન્દ્રભાઇ પટેલના પરિવારમાં પત્ની સૂર્યાબેન ગાંધીનગર નજીક રૂપાલમાં વરદાયીની સ્કૂલમાં ગ્રંથપાલ છે. જ્યારે મોટો પુત્ર નિસર્ગ એન્જીનિયર છે અને ખાનગી કંપનીમાં જોબ કરે છે. બીજો પુત્ર ઋષિ પણ એન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે નરેન્દ્રભાઇ પટેલ આ સાથે 42 ગામ કડવા પાટીદાર બચત મંડળ (ગાંધીનગર)નાં પ્રમુખ, ગ્રીન સિટી સમસ્ત પાટીદાર સમાજના ઉપ-પ્રમુખ, નારદીપુર ગામ કડવા પાટીદાર પરિવાર (અમદાવાદ-ગાંધીનગર) તથા ગ્રામ સેવા મંદિર-નારદીપુર જેવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે.
15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ મારા ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવું છું
દેશભક્તિને વરેલા નરેન્દ્રભાઇ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે, હું વર્ષ 1994થી દર 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ મારા ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવું છું. મારા પિતા શિવાભાઇ પટેલ પણ દેશભક્ત અને સિદ્ધાંતવાદી હતાં. તેઓએ નોકરી કરતાં હતાં ને 3 જાન્યુઆરી 2015ના રોજ તેમનું નિધન થતાં તેમની મરજી અનુસાર સોલા સિવિલ ખાતે દેહદાન કરાયું હતું. મારા પિતાના પગલે ચાલીને મેં અને મારા ભાઇ અશોકભાઈ પટેલે પણ દેહદાનનો સંકલ્પ કર્યો છે. જેથી પુત્રના લગ્નના બાદ રિસેપ્શનની શરૂઆત પણ રાષ્ટ્રગીતથી કરી હતી. એટલું જ નહીં રિસેપ્શનમાં અન્નનો બગાડ ન થાય તે માટે ખાસ આયોજન કર્યું હતું. જે મહેમાનની ડિશ જમ્યા બાદ ચોખ્ખી હોય અને અન્નનો બગાડ ન કર્યો હોય તેવા લોકોને પ્રોત્સાહન રૂપે એક કવર આપવામાં આવ્યા હતાં. રિસેપ્શનમાં આવેલા 480 જેટલા મહેમાનોને આ કવર આપવામાં આવ્યા હતાં. આ કવર પર ‘આપશ્રીએ અન્નદેવતાનો સંપૂર્ણપણે આદર કર્યા બદલ અમારા હ્રદયપૂર્વકનાં વંદન’. જ્યારે કવરમાં 10 રૂપિયા આપવામાં આવતા હતાં.