ગુજરાતની ઝીલ દેસાઈની ડ્રીમ રન જારી : ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી
મેલબોર્ન,
અમદાવાદની પ્રતિભાશાળી ટેનિસ ખેલાડી ઝીલ દેસાઈએ ઓસ્ટ્રેલિયન ઓપન જુનિયર ગર્લ્સ સિંગલ્સમાં ડ્રીમ રન જારી રાખતાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ઝીલનો મુકાબલો આજે પાંચમો સીડ ધરાવતી સર્બિયાની ઓલ્ગા ડાનીલોવીચ સામે હતો. જોકે મેચમાં ઓલ્ગા ૫-૩થી આગળ હતી, ત્યારે ઈજાગ્રસ્ત બની ગઈ હતી અને તેને ખસી જવું પડયું હતુ.
આ સાથે ઝીલને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મળ્યો હતો.
ઝીલે આ સફળતા સાથે ગુજરાતના રમત ઈતિહાસમાં વધુ એક સિમાચિન્હ સર કર્યું હતુ. ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટમાં જુનિયર લેવલે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશનારી ઝીલ ગુજરાતની સૌપ્રથમ ખેલાડી બની ગઈ હતી. હવે તેનો મુકાબલો રશિયાની ૧૬મો સીડ ધરાવતી ઈલેના રાયબાકીના સામે થશે. રાયબાકીનાએ બીજો સીડ ધરાવતી અમેરિકાની ટેલર જોહન્સનને ૬-૩, ૬-૨થી પરાજય આપ્યો હતો.
મેલબોર્ન પાર્કમાં ચાલી રહેલી ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમની જુનિયર ગર્લ્સ ઈવેન્ટમાં ઝીલ દેસાઈએ અગાઉ જર્મનીની જુલે નિમેઈરને ૬-૪, ૬-૨થી અને ઓસ્ટ્રેલિયાની કૈટલીન સ્ટાઈનેસને ૬-૪, ૩-૬, ૭-૫થી હરાવી હતી. નોંધપાત્ર છે કે ઝીલ જુનિયર આઈટીએફમાં ૧૧ ટાઈટલ જીતી ચૂકી છે અને તેણે સાનિયા મિર્ઝાનો ૧૦ જુનિયર આઈટીએફ ટાઈટલ જીતવાનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
બોપન્ના-ડેબ્રોવસ્કીને હરાવીને સાનિયા-ડોડીગ સેમિ ફાઇનલમાં
મેલબોર્ન,તા.૨૫
ભારતની સાનિયા મિર્ઝા અને ક્રોએશિયાના ઈવાન ડોડીગની બીજો ક્રમાંક ધરાવતી જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ ડબલ્સની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.
આજે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં સાનિયા અને ડોડીગની જોડીએ ભારતના રોહન બોપન્ના અને કેનેડાની ગાબ્રિયેલા ડાબ્રોવસ્કીની જોડીને ૬-૪, ૩-૬, ૧૨-૧૦થી પરાજય આપ્યો હતો. હવે સેમિ ફાઈનલમાં સાનિયા અને ડોડીગની જોડીનો મુકાબલો ભારતના લિએન્ડર પેસ અને સ્વિત્ઝર્લેન્ડની માર્ટિના હિંગીસ સામે અથવા તો ઓસ્ટ્રેલિયાના સેમ ગ્રોથ અને સામંથા સ્ટોસુરની જોડી સામે થઈ શકે છે.