ગુજરાત

1.5 કરોડ વિદ્યાર્થીઓ-વાલીઓને ફી માફીયાઓએ બાનમાં લીધા છે અને તેમનું ભાવિ અંધકારમય બનાવી દીધુ છે : પરેશભાઇ ધાનાણી

વિરોધ પક્ષના નેતાશ્રી પરેશભાઇ ધાનાણીએ પોલીસ સ્ટેશનમાં પણ ધરણા ચાલુ રાખતા એલાન કર્યું કે મને જેલમાં પૂરી દો કે ફાંસીના માંચડે લટકાવી દો પરંતુ દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી ની માફી થવી જ જોઈએ.

વિધાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી માફ કરવાની માગણી સાથે વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ અમરેલીના ગાંધી બાગ ખાતે પ્રતિક ઉપવાસ કર્યા.

વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ ફી માફી મુદ્દે પ્રતિક ઉપવાસ કરતા સરકારના ઇશારે પોલીસે ધરપકડ કરી.

ગાંધીનગર :

સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીના જન્મદિનથી કોંગ્રેસે શરૂ કરેલી વિધાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી માફ કરવાની માગણી સાથે વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ અમરેલીના ગાંધી બાગ ખાતે પ્રતિક ઉપવાસ કર્યા હતા. તો પોલીસે સરકારના ઇશારે તેમની ધરપકડ કરી હતી.
કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે મંદી, મોંઘવારી અને બેરોજગારીમાં સપડાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ-વાલીઓને કેટલાક ફી માફીયાઓએ બાનમાં લીધા છે અને તેમનું ભાવિ અંધકારમય બનાવી દીધુ છે ત્યારે કોંગ્રેસે 21 માર્ચથી અત્યાર સુધીમાં વિધાનસભામાં અને વિધાનસભાની બહાર ખાનગી અને સરકારી શાળામાં અભ્યાસ કરતા દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવાની વારંવાર સરકાર પાસે માગણી કરી હતી. તેમજ ખાનગી શાળાના સંચાલકોને શિક્ષકોના પગાર સહિતના આનુષાંગિક ખર્ચ માટે સરકાર નાણાં આપે તેવી માંગ કોંગ્રેસે કરી હતી. પણ ક્યાંય ને ક્યાંય સરકાર, સ્વનિર્ભર સંસ્થાઓ અને મળતિયા વાલીમંડળોએ સાથે મળીને ગુજરાતના ભવિષ્યને અંધકારમાં ધકેલવાનું ષડ્યંત્ર રચ્યું છે.
હાઈકોર્ટે જ્યારે ફી ના મુદ્દે સરકારનો કાન આમળ્યો ત્યારે સરકારના મળતિયા કેટલાક સંચાલકો અને માનીતા વાલી મંડળો સાથે સરકારે ફી માફીના નામે કુલડીમાં ગોળ ભાંગી અને માત્ર ૨૫ ટકા જ ફી માફીની સરકારે જાહેરાત કરી. હવે એક સત્ર શાળા-કોલેજો બંધ રહ્યા છે તો ભણતર નથી કરાયું ત્યારે વળતર માંગવાની વૃત્તિ માંથી સરકાર અને એની ઉપર નભતી સ્વનિર્ભર સંસ્થાઓ બહાર આવે. કમનસીબે સરકારે ખાનગી શાળા સંચાલકોના ખોળે બેસી અને ગુજરાતના દોઢ કરોડ બાળકોના ભવિષ્યને અંધકારમાં ધકેલવાનું બંધ કરે.
“ભણતર નહીં તો વળતર નહીં” ના સંકલ્પ સાથે ગાંધી જયંતિના પાવન દિવસે વિરોધ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ અમરેલીના ગાંધી બાગ ખાતે મહાત્માજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને એકલા જ પ્રતિક ઉપવાસ કર્યા હતા. જોકે પોલીસે કોઈપણ કારણ આપ્યા વગર સરકારની સૂચનાના આધારે ગાંધીજયંતીના દિને અહિંસક આંદોલન પર તરાપ મારી કાઠલા પકડ્યા, બુસ્કોટ ફાડી નાખ્યા, ટીંગાટોળી કરીને વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીની પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જો કે વિપક્ષનેતાએ સવાલ કર્યો હતો કે પોલીસ સ્ટેશને શું કામે લાવ્યા એનો પોલીસ પાસે પણ જવાબ ન હતો.
વિરોધ પક્ષના નેતાશ્રીએ પોલીસ સ્ટેશનમાં પણ ધરણા ચાલુ રાખતા એલાન કર્યું હતું કે મને જેલમાં પૂરી દો કે ફાંસીના માંચડે લટકાવી દો પરંતુ દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી ની માફી થવી જ જોઈએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x