આમ આદમી પાર્ટી, માણસાના ઉપક્રમે …… વિના મૂલ્યે મેડીકલ કેમ્પ યોજાયો
સાચા સ્વરાજ, જન લોકપાલ તથા ભ્રષ્ટાચારમુક્ત ભારતના નિર્માણ માટે સ્થાપિત “આમ આદમી પાર્ટી” ના ગાંધીનગર જિલ્લાના માણસા વિધાનસભા (મહેસાણા લોકસભા)વિસ્તારના મધ્યસ્થ કાર્યાલયના ઉપક્રમે આજરોજ એક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માણસાના જાણીતા તબીબશ્રી ડૉ. રાકેશભાઈ ગોસ્વામી, ડૉ. તુષાર જાની અને અન્ય તબીબશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ સદર કાર્યક્રમમાં માણસા વિધાનસભા મતવિસ્તારના સક્રિય કાર્યકર મિત્રો અને પ્રબુદ્ધ નાગરિકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
માણસા નગરના સોલૈયા રોડ સ્થિત આંબા તળાવ વિસ્તારના તદ્દન ગરીબ-બેઘર એવા નાગરિકોની વિના મૂલ્યે તપાસ કરી તેઓને જરૂરી એવી તમામ દવાઓ(ઔષધો) પણ મફત પૂરી પાડવામાં આવી હતી. સદર કેમ્પમાં આંગણવાડી (માણસા-૧૩ )ના આંગણવાડી કાર્યકર પિન્કીબેન પટેલ, આશા વર્કર સ્મિતાબેન પરમાર અને તેડાગર પારૂલબેન જાની નો ખૂબ જ સુંદર સહકાર-સહયોગ પ્રાપ્ત થયો હતો.
માણસા-વિધાનસભા મતવિસ્તારના અધ્યક્ષશ્રીડૉ. તુષાર જાની ની અધ્યક્ષતામાં આયોજિત સદર કેમ્પમાં મહેસાણા લોકસભા પ્રભારીશ્રી રોબીનજી, માણસા વિધાનસભા પ્રભારીશ્રી હાર્દિક રાવલ, ઉત્તર ગુજરાત ઝોનના મીડિયા કન્વીનરશ્રી રાકેશ પ્રજાપતિ “રાહી” પણ સવિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. દિલ્હીથી પધારેલ રોબીનજીએ જણાવ્યું હતું કે દિલ્હી સરકારશ્રી દ્વારા રાજ્યમાં સરકારી-પ્રાઈવેટ તમામ દવાખાનામાં દવાઓ-ઈલાજ તદ્દન વિના મૂલ્યે પ્રાપ્ત કરાવવામાં આવી રહ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ “આમ આદમી પાર્ટી, માણસા” ના ઉપક્રમે માણસા નગરના જરૂરિયાતમંદ ગરીબોને ગરમ ધાબળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.