ગાંધીનગરગુજરાત

વિધાનસભાની 8 પૈકી 7 બેઠકો માટે ભાજપના ઉમેદવારના નામ જાહેર, લીંબડીમાં કોકડું ગૂંચવાયું, જાણો વધુ

ગાંધીનગર :
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાશે. જેને લઈને હાલ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 8 પૈકી 7 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા ચૂંટણી લડશે, મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજા ચૂંટણી લડશે, ધારી બેઠક પરથી જે.વી. કાકડિયા ચૂંટણી લડશે, ડાંગ બેઠક પરથી વિજય પટેલ ચૂંટણી મેદાનમાં ઉતરશે, ગઢડા બેઠક માટે આત્મારામ પરમારનું નામ જાહેર કરવામાં આવ્યું છે, કરજણ બેઠક માટે અક્ષય પટેલનું નામ જાહેર કરાયું છે અને કપરાડા બેઠક માટે જીતુભાઇ ચૌધરીનું નામ જાહેર કરતા તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ 7 બેઠકો પર ભાજપ દ્વારા તેના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જયારે અન્ય એક લીંબડી બેઠક પર ઉમેદવારનું નામ હજુ જાહેર કરાયું નથી.
કૉંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા જેના પગલે આ બેઠકો ખાલી પડી છે. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં.
લીંબડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કિરિટસિંહ રાણા ઉમેદવાર માનવામાં આવતા હતા. જોકે, કૉંગ્રેસમાંથી રાજીનામું આપનાર સોમા પટેલે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરતા ભાજપ ગુંચવાયું હોય તેવું જણાઈ રહ્યું છે. સોમાભાઈ પટેલે ભાજપમાં જોડાયા ન હોવાથી પક્ષે તેમને ટિકિટ નથી આપી પરંતુ કૉંગ્રેસે તેમને ટિકિટ ન આપવાની સ્પષ્ટ ના કહી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, 8 બેઠક માટે 3 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. 10 નવેમ્બરના રોજ પરિણામ આવશે. આ સાથે જ 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરાઈ રહ્યા છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર છે. 19 ઓક્ટોબર સુધીમાં ફોર્મ પાછું ખેંચી શકાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x