ગાંધીનગર મનપાના ભાજપના 6 કોર્પોરેટરોને શહેર પ્રમુખે આપી નોટિસ
ગાંધીનગર :
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા ગત 13 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી. જેમાં ભાજપના એજન્ડાને ફગાવી દેનાર અને સભા છોડીને બહાર નીકળી જનારા સત્તાધારી પક્ષના 6 કોર્પોરેટરોને ભાજપના શહેર પ્રમુખ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જેનો જવાબ 3 દિવસમાં કરવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય સભામાં કર્મચારીઓની ભરતી અને બઢતીની દરખાસ્ત ભાજપના કોર્પોરેટર દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપ ના 11 સભ્યોએ ટેકો આપ્યો હતો. કોંગ્રેસ દ્વારા પણ નાના કર્મચારીઓના હિતની વાત હોવાથી કોઈ વિરોધ કરાયો ન હતો પરંતુ કોઈક કારણસર ભાજપના 6 સભ્યોએ જાહેરમાં વિરોધ કરાયો હતો. જેની પાર્ટી એ ગંભીર નોંધ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષમાં બે ભાગલા પડી ગયાં છે. પરંતુ કોઈ સામે આવતું ન હતું બે દિવસ પહેલાં યોજાયેલી સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા વિરોધ કરીને સભામાંથી બહાર નીકળી ગયાં હતાં. ત્યારબાદ આ તમામ છ સભ્યોને ભાજપના whatsapp ગ્રુપમાંથી પણ રીમૂવ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે આજે શહેર પ્રમુખ દ્વારા તેમને નોટિસ ફટકારવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલો ક્યાં સુધી પહોંચે છે.