સગીરાનું અપહરણ કરી દેહ વ્યાપારમાં ધકેલવાનો પ્રયાસ
ગાંધીનગર,
ગાંધીનગર શહેર નજીક આવેલા ખોરજ ગામમાં રહેતી સગીરાને મોબાઈલ અને રૃપિયા આપવાની લાલચ આપી તેણીનું એકટિવા ઉપર અપહરણ કરીને દેહવ્યાપારમાં ધકેલવાની કોશિષનો પર્દાફાશ થયો છે. આ ઘટના અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતાં પોલીસે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ શરૃ કરી છે.
શાળામાંથી મહિલા એકટિવા ઉપર સગીરાને લઈ ગઈ પણ બુમાબુમ કરતાં ઉતારી દીધીઃપોલીસ ફરિયાદ
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક ખોરજમાં ૧૪ વર્ષીય કિશોરીને પોતાના ઘરે બોલાવીને બે પુરુષો આગળ રજૂ કરી આ પુરુષો તને જેમ કહે તેમ કરવા દેવાનું અને ત્યારબાદ તને બદલામાં રૃપિયા અને મોબાઈલ આપવાની લાલચ આપી તરૃણાબેન યોગેશભાઈ પટેલ નામની મહિલાએ કિશોરીને ફોસલાવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કિશોરી માની નહોતી. ત્યારબાદ શાળામાં જઈને આ કિશોરીની કાકી તરીકે ઓળખ આપી તેને શાળામાંથી લઈ જઈ નીતિન જગદીશભાઈ નાયકના એકટિવા ઉપર બેસાડી અપહરણ કરવામાં આવી હતી પરંતુ કિશોરી કુદવાની ધમકી આપી દેતા તેને ઉતારી દેવામાં આવી હતી.
આ ઘટના અંગે અડાલજ પોલીસમા ફરિયાદ કરાતાં પોલીસે મહિલા તરૃણાની ધરપકડ કરી વધુ તપાસ શરૃ કરી હતી. પીઆઈ પંડયાના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં કિશોરીને દેહ વ્યાપારમાં ધકેલવાનો પ્રયાસ હોય તેવું લાગી રહયું છે.