ગુજરાત

BJPના પૂર્વ MLA એ રસ્તાના ખાતમુહૂર્તમાં દારૂથી અભિષેક કર્યો

ગુજરાત સરકારે હાલ દારૂબંધીનો કડક કાયદો અમલમાં મૂક્યો છે, સાથે સાથે સરકાર સહિત અન્ય સામાજિક સંસ્થાઓ અંતરિયાળ વિસ્તારમાં વ્યસનમુક્તિ અભિયાન પણ ચલાવી રહી છે, ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ડેડિયાપાડા વિસ્તારમાં રસ્તાનું ખાતમુહૂર્ત ખાખરના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવ્યું હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં BTPના MLA મહેશ વસાવા અને ભાજપના પૂર્વ MLA મોતીસિંહ વસાવા સહિતના નેતાઓએ ખાતમુહૂર્તમાં દારૂથી અભિષેક કર્યો હતો. બીજી બાજુ, ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના વિવિધ રસ્તાઓનું ગત 25 ઓક્ટોબરના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેડિયાપાડા BTPના MLA મહેશ વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બહાદુર વસાવા, ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ અને ડેડિયાપાડાના માજી ધારાસભ્ય મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ આગેવાન અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકર વસાવા સહિત કોંગ્રેસના અન્ય આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રસ્તાનું ભૂમિપૂજન ખાખરના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવ્યું હતું.
દારૂ લઇને લાઈનમાં ઊભા રહી દારૂથી અભિષેક કર્યો, કેટલાકે પ્રસાદી પણ લીધીઃ મનસુખ વસાવા
ભાજપ સાંસદ મનસુખ વસાવા પણ ખફા છે, તેમણે જણાવ્યું હતું કે હંમેશાં ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા તથા દૂધ, જળ (પાણી)થી પૂજન કરવામાં આવે છે. એને બદલે ખાખરના પાનમાં દારૂ લઈને લાઈનમાં ઊભા રહીને દારૂથી અભિષેક કરતા નેતાઓ ખાતમુહૂર્ત કરી રહ્યા છે તથા એ પણ જાણવા મળ્યું છે કે કેટલાકે એની પ્રસાદી પણ લીધી, જેમાં ઘણાબધા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. સરકાર દારૂબંધીનો કાયદો કડક બનાવે છે. વ્યસનમુક્તિ અભિયાન ચલાવે છે અને સાધુ-સંતો, ધાર્મિક સંપ્રદાયો પણ સમાજ સુધારણા માટે અને દારૂ જુગાર જેવાં વ્યસનોથી દૂર રહેવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે, તો નેતાઓનો આ વ્યવહાર જોઇને આનાથી કેવો સંદેશો તેઓ આદિવાસી સમાજને આપવા માગે છે?

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x