ત્રીજા બાળકના જન્મને લીધે ડીવિલિયર્સે બિગ બેશ લીગમાંથી કરી પીછેહઠ
એબી ડીવિલિયર્સે કોવિડ-19ની મહામારી અને તેના ત્રીજા બાળકના જન્મને લીધે આ વર્ષે બિગ બેશ લીગમાંથી પીછેહઠ કરી છે, પરંતુ તે ભવિષ્યમાં બ્રિસ્બેન હીટ તરફથી રમવા માટે તૈયાર છે. દક્ષિણ આફ્રિકાનો 36 વર્ષીય ખેલાડી હાલમાં યુએઈમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ વતી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020માં રમી રહ્યો છે.
ડી વિલિયર્સે એક નિવેદનમાં કહ્યું છે કે, મારે ત્યાં ટૂંક સમયમાં બાળકનો જન્મ થવાનો છે. યુવાન પરિવાર અને કોરોના વાયરસથી થતી મુસાફરી અને સંજોગો અંગેની અનિશ્ચિતતાને કારણે મેં આ સિઝનમાં (બિગ બેશ લીગની) ભાગ ન લેવાનું નક્કી કર્યું છે.
તેણે કહ્યું, ‘બ્રિસબેન હીટ સાથેની ગત સિઝન સારી રહી હતી અને હું ભવિષ્યમાં આ ક્લબ તરફથી રમવા માટે તૈયાર છું. ટીમ અપેક્ષા કરેલા પરિણામો હાંસલ કરવામાં સફળ રહી નહતી અને મને લાગે છે કે હજી પણ કેટલાક અધૂરા કામો બાકી છે.’ બિગ બેશ લીગ ત્રીજી ડિસેમ્બર 2020થી શરૂ થશે.