ગાંધીનગરગુજરાત

જાન્યુઆરીમાં સ્કૂલો ખોલવા અને માસ પ્રમોશનનો સરકારે કોઈ નિર્ણય લીધો નથી

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે હાલની સ્થિતિમાં જાન્યુઆરી મહિનાથી સ્કૂલ-કોલેજો ખોલવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. એટલું જ નહીં, ગત વર્ષની માફક ધોરણ 10 અને 12 સિવાયના વર્ગોમાં માસ પ્રમોશનનો પણ હાલ સરકારે કોઈ નિર્ણય નથી લીધો તેવું પણ તેમણે કહ્યું હતું. શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, સ્થિતિને અનુરૂપ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે, હાલ તેની ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. આજે દિવસ દરમિયાન કેટલીક ન્યૂઝ ચેનલો પર એવા અહેવાલ પ્રસારિત થયા હતા કે ગુજરાત સરકાર જાન્યુઆરી મહિનાથી સ્કૂલો અને કોલેજો શરુ કરવાની જાહેરાત કરી શકે છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જ સ્કૂલો અને કોલેજો ધમધમતી કરી દેવાશે તેવા દાવા પણ આ અહેવાલોમાં કરાયા હતા. સરકારે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવી તેમને ફગાવી દીધા છે. આ ઉપરાંત, હાલ આવી કોઈ વાત વિચારણા હેઠળ પણ નથી તેવી સ્પષ્ટતા પણ કરી છે. દિવાળી વેકેશન બાદ સ્કૂલો અને કોલેજો નિયંત્રણો સાથે શરુ કરવા માટે સરકારે પૂરી તૈયારી કરી લીધી હતી.
કોરોનાના કેસોમાં અચાનક વધારો થતાં સરકારને પોતાનો નિર્ણય પડતો મૂકવાની ફરજ પડી હતી. હાલ સરકાર કોઈ રિસ્ક લેવા ના માગતી હોવાથી રાજ્યમાં કોરોનાના કેસોમાં તાજેતરના દિવસોમાં જોવાયેલા ઘટાડા બાદ પણ સ્કૂલો અને કોલેજો શરુ કરવા અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ, હવે શૈક્ષણિક સત્રને માંડ ત્રણેક મહિના બાકી રહ્યા છે, અને તેમાંય સ્કૂલો ક્યારે ચાલુ થશે તેના કશાય ઠેકાણા ના હોવાના કારણે આ વર્ષે પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે કે કેમ તે અંગે સરકારે સ્પષ્ટતા નથી કરી. સ્કૂલો ઓનલાઈન એજ્યુકેશન આપી રહી છે, પરંતુ તેની ક્વોલિટી તેમજ પહોંચને લગતા પણ ગંભીર સવાલો ઉભા જ છે. તેવામાં માત્ર ઓનલાઈન એજ્યુકેશનના આધારે વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા લેવી કે કેમ તે અંગે શિક્ષણવિદોમાં પણ મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. નોંધનીય છે કે, ગત શૈક્ષણિક વર્ષમાં પણ સરકારે માસ પ્રમોશનની જાહેરાત છેલ્લી ઘડીએ જ કરી હતી.
ખાસ કરીને જેમના બાળકોને આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાની છે તે વિદ્યાર્થીઓના માતાપિતા હાલ ટેન્શનમાં છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાતી હોય છે, અને ડિસેમ્બર સુધીમાં તો અભ્યાસક્રમ પૂરો કરી જાન્યુઆરીથી તેનું રિવિઝન પણ શરુ કરી દેવાતું હોય છે. આ વર્ષે ધોરણ 10 અને 12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની જાહેરાત તો સરકારે કરી જ દીધી છે, પરંતુ તેની સાથે પરીક્ષા પણ મે મહિનામાં લેવાય તેવી શક્યતા પ્રવર્તી રહી છે. જોકે, પરીક્ષાની તારીખ અંગે હજુ સુધી સરકારે કોઈ ચોખવટ નથી કરી. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર, સ્કૂલો ખોલવા માટે શરતી મંજૂરી નવેમ્બર મહિનામાં જ આપી દેવાઈ છે. તેમાં અમુક ધોરણના જ વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા માટે પરવાનગી છે. આ સિવાય તેમાં પણ ઓડ-ઈવન ઉપરાંત માતા-પિતાની ફરજિયાત સહમતીનો પણ સમાવેશ થાય છે. પરંતુ કેન્દ્ર સરકારે પણ વિદ્યાર્થીઓ માટે સ્કૂલે આવવું ફરજિયાત નથી રાખ્યું, અને ઓનલાઈન એજ્યુકેશનનો વિકલ્પ પણ આપવામાં આવ્યો જ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x