કુડાસણમાં પ્રથમ મહિલા સંચાલિત ત્રિનેત્ર બેકરીનો પ્રારંભ, “મારી બેકરીને સૌથી બેસ્ટ બેકરી બનાવીશ” બરખા ગંગવાણીનો આત્મવિશ્વાસ.
ગાંધીનગર :
આજની મહિલા એ માત્ર રસોડું-ઘર પરિવાર સાંભળીને જ બેસી રહે તેવી મહિલા નથી, હવે મહિલાઓ દરેક ક્ષેત્રે તેમનો ડંકો વગાડી રહી છે. અવકાશ હોય કે સમંદર, જંગલ હોય કે જંગનું મેદાન, રાજકારણ હોય કે ટેકનૉલોજી, સાહિત્ય-સેવા હોય કે સ્પોર્ટ્સ, નોકરી હોય કે બિઝનેસ તમામ ક્ષેત્રે મહિલાઓ તેમની આગવી પ્રતિભા થકી છવાઈ રહી છે અને ગાંધીનગરની મહિલાઓ તો દરેક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. ગાંધીનગરના આવા જ એક જાંબાઝ મહિલા બરખા ગંગવાણીએ તો અત્યાર સુધી જે ક્ષેત્રમાં મહિલાઓ સીધા સંચાલન સાથે સંકળાયેલી નહોતી તેવા બેકરી ક્ષેત્રે ઝંપલાવીને શહેરની મહિલાઓ સમક્ષ એક નવો ચીલો ચાતર્યો છે. તેમણે ગાંધીનગરના રક્ષાશક્તિ-શાહપુર સર્કલથી રીલાયન્સ ચોકડી (દીનદયાળ ઉપાધ્યાય સર્કલ) તરફના માર્ગે વિકસેલા કુડાસણના નવા વિસ્તારમાં પ્રમુખ આર્કેડ-2 કોમ્પ્લેક્ષમાં “ત્રિનેત્ર બેકરી એન્ડ ફૂડ કોર્નર” નો પ્રારંભ કર્યો છે.
આ બેકરીમાં તેઓ વિવિધ પ્રકારની લેટેસ્ટ ફ્લેવરની હાર્ટ થ્રોબ ડિઝાઇનર કેક, ફ્લેવર્ડ ખારી-ટોસ્ટ-કુકીઝ, ચીઝ-બટર, બ્રેડ-બટર-પાઉં, રેગ્યુલર જીમર્સ માટે ઉપયોગી એવા પી-નટ બટર, એનર્જી ડ્રિંક્સ, અનેક પ્રકારના ચોકલેટ્સ-બિસ્કીટ્સ વગેરે ઉપરાંત ગરમાગરમ રેડી ટુ સર્વ પફ, ખાખરા-અથાણાં, મુખવાસ સહિતની મલ્ટી વેરાયટી પ્રોડક્ટસ સાથે ડીલ કરી રહ્યા છે. ગ્રાહકોને દરેક ચીજવસ્તુના ઉપયોગ અંગે પણ તેઓ જરૂરી માર્ગદર્શન પણ આપે છે. બેકરી આઇટમો બાબતે તેમની સૂઝબૂઝ ગ્રાહકો ઉપરાંત તેમના સપ્લાયર્સને પણ અચંબિત કરી રહી છે.
તેઓ તેઓ પોતાની “ત્રિનેત્ર બેકરી”ને શહેરની “બેસ્ટ બેકરી” બનાવવા સાથે મહિલાઓને બેકરી વ્યવસાય માટે પ્રેરિત કરવા માંગે છે આ માટે તેઓ બેકરીમાં હાઈજીન અને સ્વચ્છતા બાબતે ખુબજ સજાગ છે, તેમજ પોતાની શોપમાં રહેલી દરેક ખાદ્ય આઇટમો પ્રત્યે તેઓ માવજત સાથેની જાળવણી અને ચીવટપૂર્વકની તકેદારી રાખી રહ્યા છે જેના કારણે પણ ગ્રાહકો તેમનાથી પ્રભાવિત થઈ રહયા છે.
કોણ છે આ બરખા ગંગવાણી?
બરખા ગંગવાણીનો જન્મ ગાંધીનગરના સિંધી પરિવારના સ્વ.વાસુદેવ ગિદવાણી તથા સ્વ.પદ્મા ગિદવાણીની કોખે થયો હતો અને તેમનું નામ મેઘના ગિદવાણી હતું. તેઓ બાળપણથી જ સ્પોર્ટ્સ અને બેકરી આઇટમો પ્રત્યે ખૂબ રુચિ ધરાવતા હતા. તેમણે પોતાના સ્કૂલકાળમાં જ કબડ્ડી, ખોખો, વોલીબોલ, બેડમિંટન ઉપરાંત એથ્લેટિક્સ અને સ્લો સાયકલિંગ જેવી રમતોમાં અગ્રેસર રહીને ઇનામો જીતી લાવતા હતા. તેઓ સ્કાઉટ ગાઇડમાં પણ કાર્યરત રહ્યા અને હિન્દી વિષય સાથે ગ્રેજ્યુએટ થઈને શહેરના સેક્ટર-23માં આર.જી, કન્યા વિદ્યાલયમાં હિન્દી શિક્ષિકા તરીકે સેવા પણ આપી ચૂક્યા હતા. સિંધી સમાજના રિવાજ મુજબ લગ્ન પછી તેઓનું નામ “બરખા ગંગવાણી” થયું અને બે દીકરીઓની માતા બન્યા પછી પણ તેઓએ સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્પોર્ટ્સ ટીચર અને આસી.એનસીસી ઓફિસર તરીકે જવાબદારી સંભાળી હતી. અહીથી જ તેઓ ગ્વાલિયર ખાતેની આર્મીની સુપ્રસિદ્ધ ઓફિસર ટ્રેનીંગ એકેડેમી(OTA) ખાતે આકરી મહિલા આર્મી ઓફિસર ટ્રેનીંગ લઈ “સ્ટાર” પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. અહી તેમણે હેલિકોપ્ટરમાંથી દોરડે લટકીને સેલ્યુટ કરવાનો દિલધડક કરતબ કરી સૌને અચંબિત કર્યા હતા અને પોતાના “ફર્સ્ટ ગુજરાત બટાલિયન”ને ગૌરવ અપાવ્યું હતું. આર્મીથી ખૂબ પ્રભાવિત એવા બરખા ગંગવાણી શહેરના ખ્યાતનામ મનોદિવ્યાંગ બાળકોની સ્કૂલ “વિશેષ એજયુકેશન સેન્ટર” ખાતે પણ નોકરી કરી ચૂક્યા છે.
બહુમુખી પ્રતિભાના માલિક બરખા ગંગવાણીનો મહિલાઓને શું સંદેશ છે?
બરખા ગંગવાણી કહે છે કે “મહિલાઓ માટે કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે તેઓ કાર્ય ના કરી શકે કે પોતાની પ્રતિભા પ્રદર્શિત ના કરી શકે, મહિલાઓને દરેક જગ્યાએ તેમના માટે કશું અશક્ય નથી તે મનથી સ્વીકારી લેવાની જરૂર છે અને પોતાનામાં આત્મવિશ્વાસ રાખવાની જરૂર છે. બાળપણથી મારૂ સ્વપન હતું કે હું મારી પોતાની બેકરી કરું, પરંતુ આ માટે અનેક વ્યક્તિઓએ મને એક મહિલા થઈને બેકરી ના કરાય તેવું કહી મારો આત્મવિશ્વાસ તોડવાની કોશિશ કરી, ઘણી બધી મુશ્કેલીઓ આવી પરંતુ આખરે હું મારુ સ્વપ્ન પૂરું કરીને જ રહી, હવે હું મારી ત્રિનેત્ર બેકરીને ગાંધીનગરની શ્રેષ્ઠ બેકરી બનાવવા માંગુ છું અને મહિલાઓને તેમાં કામ આપી તેમનો આત્મવિશ્વાસ વધારવા માંગુ છું.