કોરોનાને પગલે હવે દર વર્ષે યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ કરાયો રદ
રાજ્યમાં દિવાળીના તહેવાર દરમિયાન લોકોની બજારમાં ભીડ જામી હતી. ત્યાર બાદ રાજ્યમાં કોરોનાના કેસોમાં જબરદસ્ત વધારો થયો હતો. હવે દિવાળી બાદ સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે અને ધીરે ધીરે કાબુમાં આવી રહ્યું છે. આગામી સમયમાં ઉતરાણનો તહેવાર હોવાથી ફરીવાર સંક્રમણ ના વધે તેની તકેદારી રૂપે હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન રદ કરી નાંખ્યું છે.
દેશ વિદેશના પતંગબાજો રાજ્યમાં આ ઉત્સવ દરમિયાન પતંગની મજા માણતા હતાં. આ ઉત્સવ રદ થવાથી પતંગ રસીકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે, દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કોરોના વકર્યો તેવી સ્થિતિ મકરસંક્રાતિના તહેવાર સમયે અને પછી સર્જાય નહીં તે અંગે ધ્યાન રાખશો. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં.
લોકો નિરાશ થાય તેની ચિંતા કરશો નહીં. લોકો આ તહેવારની ઉજવણી આવતા વર્ષે પણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરી શકે છે. હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે, સરકાર મકરસંક્રાતિના તહેવારને લઈને શું નિર્ણય કરવા માગે છે, તે અંગે સુચના મેળવીને જણાવો. આ કેસની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ હાથ ધરાશે. મકરસંક્રાતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે.