વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરમાં આયુષ્માન ભારત પીએમ જય સેહત યોજનાની શરૂઆત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ કાશ્મીરમાં આયુષ્માન ભારત પીએમ જય સેહત યોજનાની શરૂઆત કરી. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાનારા આ પ્રોગ્રામમાં ગૃહમંત્રી અમિત શાહ અને જમ્મુ કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા પણ સામેલ છે. આ યોજના હેઠળ જમ્મુ-કાશ્મીરના તમામ લોકોને પાંચ લાખ રૂપિયાનું હેલ્થ ઈન્સોયરન્સ કવર મળશે. ત્યારપછી મોદીએ યોજનાનો ફાયદો લેનાર સાથે વાત કરી. તેમણે કહ્યું કે, આજે મને જમ્મુ-કાશ્મીરના બે લાભાર્થીઓ પાસેથી તેમના અનુભવ સાંભળવાની તક મળી.
જેમના માટે અમે કામ કરીએ છીએ, તેમના પાસેથી સંતોષનો સ્વર સાંભળવા મળે તો ગરીબો માટે વધુ મહેનત કરવા માટે આ શબ્દો ઘણી શક્તિ આપે છે. આપ સૌની વાત સાંભળીને સારુ લાગ્યું. તમામ સુવિધાઓ દરેક લોકો સુધી પહોંચે તે અમારી સરકારનો વાયદો છે. મોદીએ કહ્યું કે, આજનો દિવસ જમ્મુ-કાશ્મીર માટે ઘણો ઐતિહાસિક છે. અહીંના લોકોને આયુષ્માન યોજનાનો લાભ મળવા જઈ રહ્યો છે.
અહીંના લોકો માટે આ પગલું ભરતા મને ઘણો આનંદ થઈ રહ્યો છે. એલજી મનોજ સિન્હા અને તેમની ટીમને ખુબ શુભેચ્છાઓ. જો આ કાર્યક્રમ આવતીકાલે એટલે કે અટલજીના જન્મદિવસના દિવસે યોજાયો હોત તો સારુ હતું. અમુક વ્યસ્તતાના કારણે આવું ન થઈ શક્યું. અટલજી માણસાઈ,જમ્હુરિયત અને કાશ્મીરિયત અંગે હંમેશા અમને સંદેશ આપતા રહ્યાં. અમે તેને જ સાથે લઈને આગળ વધી રહ્યાં છીએ.