રાજ્યમાં તમામ પતંગોત્સવ રદ્દ કરાયા : રાજ્યની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
ગાંધીનગર :
ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કારણે રાજ્યમાં આગામી મહીને યોજાનારા તમામ પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યાં છે. ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં વિવિધ શહેર અને જિલ્લામાં યોજાનારા પતંગોત્સવ તેમજ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને રદ્દ કરાયાં છે.
ઉલ્લેખનીય છે રાજ્યમાં કુલ 8 જગ્યાએ પતંગોત્સવ યોજવામાં આવે છે. આ સાથે રાજ્યમાં હાલ 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યું લગાવામાં આવ્યો છે. જે હાલમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ રાજ્યામાં રાત્રિ કર્ફ્યુમાં થોડી છૂટછાટ આપવામાં આવી શકે છે. જેમાં રાત્રિ કર્ફ્યું 9 વાગ્યાના બદલે 11 થી સવારે 6 વાગ્યા સુધીનો કરવામાં આવી શકે છે. અમદાવાદીઓ અને ગુજરાતીઓને મનપસંદ તહેવાર ઉત્તરાયણ નજીક આવી રહી છે. ત્યારે ઉત્તરાયણના તહેવારને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું. ઉત્તરાયણને લઇને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો ચાઈનીઝ દોરાના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે. વધુમાં અમદાવાદમાં રસ્તા પર, ફૂટપાથ પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ કરાયો છે. તો લાઉડ સ્પિકર, ઉશ્કેરણીજનક રીતે પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ રહેશે. વાયર પર લંગર, બંબુ, લોખંડના ઝંડા નાખવા પર કાર્યવાહી થશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ હાઇકોર્ટ દ્વારા ઉત્તરાયણના તહેવારને લઇને કરવામાં આવેલી અરજી પર સરકારને ટકોર કરી હતી. ઉત્તરાયણ એક વર્ષ પછી પણ ઉજવી શકાશે. સરકાર ચિંતા ન કરે કે લોકો નિરાશ થશે, બધાને ખુશ રાખી શકાશે નહીં. હાઇકોર્ટ દ્વારા સરકારને ટકોર કરી કે દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, આમ હવે ઉત્તરાયણના પર્વ બાદ ફરી આવી સ્થિતિ સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે? જો કે આગામી વર્ષ કોરોનાને લઇને ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે.
સરકાર ચિંતા ન કરે કે લોકો નિરાશ થશે. એક વર્ષ ઉત્તરાયણની ઉજવણી નહી કરવામાં આવે તો ચાલશે. રાજ્યમાં 25 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી-2021 સુધીના સમયગાળામાં વધુ સાવચેતી રાખવી પડશે. બધાને ખુશ રાખી શકાશે નહીં.