પોલીસની નાકાબંધી : આજે રાત્રે 9 વાગ્યા પછી ઘરની બહાર નીકળશો તો નવું વર્ષ લોકઅપમાં જ ઊજવવું પડશે
અમદાવાદ :
આજે રાતે અમદાવાદીઓ 31 ડિસેમ્બરની ઉજવણી નહીં કરી શકે. જો કોઈપણ વ્યક્તિ રાત્રે 9 વાગ્યા બાદ ઘરની બહાર ફરતી ઝડપાશે તો પોલીસ દ્વારા કડડ કાર્યવાહી કરવામાં આવશે. આજે અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ 28 જગ્યાએ બંદોબસ્ત વધારાયો છે. રાત્રિ સમયે શહેરમાં 100 પીઆઈ, 3500 કોન્સ્ટેબલ ઓન ડ્યૂટી રહેશે, સાથે જ કોઈપણ વ્યક્તિ કોઈ બહારગામ ગયું હશે તો તેમણે 9 વાગ્યા પહેલાં આવી જવું પડશે. 9 વાગ્યા બાદ કોઈ બહાર દેખાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ વ્યક્તિને આખી રાત લોકઅપમાં પૂરવામાં આવશે.
પોલીસ કંટ્રોલ રૂમના ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ઈમર્જન્સી વિના બહાર નીકળનારને જેલમાં ધકેલી દેવાશે. શહેરના 30 એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ રાતે 9 વાગ્યાથી લોક કરી દેવાશે, જ્યારે શહેરની અંદરના 250થી 300 નાકાબંધી પોઈન્ટ પર પણ પોલીસ 9 વાગ્યાથી જ તહેનાત થઇ કર્ફ્યૂનો કડક અમલ કરાવશે, સાથે જ પોલીસ હોટલ, ફાર્મ હાઉસ સહિત પર વોચ રાખશે. જો કોઈપણ વ્યક્તિ પીધેલી હાલતમાં ઝડપાશે તો તેની સાથે સીધો કેસ દાખલ કરી દેવામાં આવશે, સાથે જ 9 વાગ્યા પછી જે અમદાવાદમાં પ્રવેશે અને શંકાસ્પદ જણાશે તો સીધા હોસ્પિટલ ભેગા કરી દેવામાં આવશે. શહેરના માર્ગ પર 9 વાગ્યા બાદ કોઈપણ રસ્તા પર દેખાશે તો સીસીટીવી કેમેરાના આધારે ફોટો કેપ્ચર કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલીને કાર્યવાહી કરશે તેમજ ઝડપાયેલા તમામનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે.
31મીએ રાતે સીજી રોડ, એસજી હાઈવે, કાંકરિયા, રિવરફ્રન્ટ સહિતનાં સ્થળે લોકો ભેગા ન થાય એ માટે સાંજે 7 વાગ્યાથી આ તમામ જગ્યાએ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતની એજન્સીના અધિકારીઓ-કર્મચારીઓ તહેનાત રહેશે.
પોલીસે 30મીએ સાંજે જ તમામ ફાર્મ હાઉસને કોઈપણ પ્રકારની પાર્ટી નહીં કરવા સૂચના આપી હતી. ત્યાર બાદ રાત્રે પોલીસે ફાર્મ હાઉસ પર સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, જેમાંથી ઓગણજના એક ફાર્મમાંથી 7 બિયરનાં ટિન સાથે બે પકડાયા હતા. અમદાવાદ શહેરની આસપાસ આવેલા જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ નથી, આથી લોકો ત્યાં એકઠા પાર્ટી કરવા ભેગા થશે. આમ, ફાર્મ હાઉસો અને વીકએન્ડ હોમ્સ પર સવારથી જ સ્થાનિક પોલીસની બાજનજર રહેશે તેમજ સતત પેટ્રોલિંગ પણ કરશે.