આગ અકસ્માત સમયે પહોંચી વળવા ડ્રાય કેમિકલ પાવડરથી સજ્જ પાંચ કરોડના વાહનો કોર્પોરેશનને મળ્યા
ગાંધીનગર :
રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લામાં સૌથી મોટી એવી કોર્પોરેશનની ફાયર બ્રિગેડને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિ. દ્વારા આજે પાંચ વાહનો ફાળવવામાં આવ્યા છે. પાણીની સાથે ડ્રાય કેમિકલ પાવડરથી સજજ આ વાહનો આગ અકસ્માતની ઘટનામાં ઉપયોગી સાબિત થશે. અંદાજે પાંચ કરોડની કિંમતના વધુ પાંચ સાધનોનો ઉમેરો ગાંધીનગરની ફાયર બ્રિગેડની ટીમમાં થઈ ગયો છે.રાજયમાં અવારનવાર આગ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવા સમયે ફાયર બ્રિગેડની કામગીરી ખુબ જ મહત્વની છે. ગાંધીનગર કોર્પોરેશનની ફાયર ટીમ સમગ્ર જિલ્લામાં સૌથી મોટી છે અને આસપાસના જિલ્લાઓમાં પણ મોટી હોનારત બને ત્યારે આ ટીમને દોડી જવું પડતું હોય છે. ગાંધીનગર કોર્પોેરેશનની ફાયર બ્રિગેડ પાસે પુરતાં વાહનો છે. ત્યારે તેની જરૃરીયાતને ધ્યાને રાખી ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિ.ના એજ્યુ.વાઈસ પ્રેસિડેન્ટ પિયુષ ઉપાધ્યાય દ્વારા આજે ફાયર ઓફિસર મહેશ મોડને પાંચ ફાયર ટેન્ડર ડોનેટ કરવામાં આવ્યા હતા. અંદાજે પાંચ કરોડની કિંમતના આ વાહનો ગાંધીનગર કોર્પોરેશનને મળી ગયા છે. પાણીની સાથે કેમિકલ ફેકટરી કે અન્ય આગમાં જરૃરી એવા ડ્રાય કેમિકલ પાવડર સાથેના આ વાહનો આઠથી દસ હજાર લીટરની ક્ષમતાવાળા છે.