બારડોલી કોઠી અને બહિયલ પાસેથી દીપડાના પગલાં મળ્યા
સાબરમતી નદી કાંઠાના ગામોમાં દેખાતો દીપડો દહેગામ તાલુકાના બે ગામોની ઝાડીમાં જોવા મળતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બારડોલી કોઠી અને બહિયલ કેનાલ પાસેથી દીપડાના પગલાં મળી આવતા વન વિભાગે દિપડાને પકડવા માટે મારણ સાથે પાંજરા મુકવામાં આવ્યા છે.પાટનગરના સાબરમતી નદી કાંઠાના ગામોમાં દીપડા દેખાવાના બનાવો અવાર નવાર બની રહ્યા છે. પરંતુ છેલ્લા છ માસથી દિપડાના દેખાતો નહી હોવાથી અન્યત્ર સ્થળાંતર કર્યું હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે દીપડાને સરળતાથી મારણ અને પાણી મળી રહેતું હોવાથી જિલ્લો વધારે પસંદ હોય તેમ દહેગામ પંથકમાં દિપડો હોવાના સગડ મળ્યા છે. જેમાં અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના હાથીજણ ગામની ગીચ ઝાડીઓમાં દિપડો હોવાના સગડ વન વિભાગે મળ્યા હતા. પરંતુ નવા વર્ષના પ્રારંભે જ દહેગામ તાલુકાના બારડોલી કોઠી ગામના જંગલ વિસ્તારમાંથી દીપડાના ફુટ માર્ક મળી આવ્યા છે. જોકે ગ્રામજનોએ પગલાં દિપડાના હોવાની વાત વન વિભાગને કરતા ટીમે તપાસ કરી હતી. જેમાં પગલાં દિપડાના હોવાનું વન વિભાગે જણાવ્યું છે.આથી દીપડાને પકડવા માટે વન વિભાગે મારણ સાથે પાંજરા મુક્યા છે. આ વિસ્તારમાં દિપડાના અન્ય સગડ શોધી રહેલા વન વિભાગને બહિયલ કેનાલ પાસેની ઝાડીઓમાં દીપડો હોવાની માહિતી મળતા વન વિભાગે આસપાસના વિસ્તારની તપાસ કરી હતી. જોકે દિપડો કેનાલમાં પાણી પીવા આવતો હોવાથી આસાપાસના ગામના લોકોને સાંજે કે એકલા સીમમાં નહી જવાની અપીલ કરાઈ છે. ઉપરાંત વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ પેટ્રોલીંગ કરાઈ રહ્યું છે