ખેડૂતો આંદોલનમાં અડીખમ : 2024 સુધી દિલ્હીમાં બેસીશું
નવી દિલ્હી :
કૃષિ કાયદાઓ મુદ્દે કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂત સંગઠનો વચ્ચેની મડાગાંઠનો કોઈ અંત દેખાઈ રહ્યો નથી. દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલનને 53 દિવસથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં બંનેમાંથી એક પણ પક્ષ નમતું ઝોખવા તૈયાર નથી. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂતો કેન્દ્રના નવા કૃષિ કાયદાઓ સામે 2024ની ચૂંટણીઓ સુધી દેખાવો કરવા માટે તૈયાર છે.
બીજીબાજુ કેન્દ્ર સરકાર એક જ ગાણું ગાઈ રહી છે કે કાયદાઓ પાછા ખેંચવા સિવાય કોઈપણ સુધારા કરવા માટે અમે તૈયાર છીએ. ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ સુપ્રીમ કોર્ટે બનાવેલી સમિતિ સમક્ષ નહીં જાય તેમજ પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલી કાઢશે. ખેડૂતોની ટ્રેક્ટર રેલી સામેની અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
દિલ્હી સરહદો પર ખેડૂતોના આંદોલનને ‘વૈચારિક ક્રાંતિ’ ગણાવતાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે રવિવારે નાગપુરમાં જણાવ્યું હતું કે, તેઓ લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર કાયદાકીય ખાતરી માગે છે.
ખેડૂતો 26મી નવેમ્બર, 2020થી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો ક્યાં સુધી દિલ્હી સરહદે દેખાવો કરશે તેવા સવાલના જવાબમાં રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, અમે મે 2024 સુધી કૃષિ કાયદા વિરૂદ્ધ દેખાવો કરવા માટે તૈયાર છીએ. અમારી માગણી આ ત્રણેય કાયદાઓને પાછા ખેંચવાની અને લઘુત્તમ ટેકાના ભાવને કાયદાકીય ખાતરી આપવાની છે. મે 2024ની આજુબાજુ આગામી લોકસભા ચૂંટણી યોજાશે.
પ્રજાસત્તાક દિનના સમારંભમાં અવરોધ ઊભા નહીં કરાય : ખેડૂતો
બીજીબાજુ ખેડૂત સંગઠનોએ રવિવારે જણાવ્યું હતું કે, તેઓ 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિને દિલ્હીના આઉટર રિંગ રોડ પર ટ્રેક્ટર રેલી કાઢશે. સ્વરાજ ઈન્ડિયાના વડા યોગેન્દ્ર યાદવનું કહેવું છે કે ખેડૂતો 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ સાથે ટ્રેક્ટર પરેડ યોજશે. પ્રજાસત્તાક દિનના સત્તાવાર સમારંભમાં કોઈપણ પ્રકારના અવરોધો ઊભા કરવામાં નહીં આવે. જોકે, ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ આૃથવા કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શનથી પ્રજાસત્તાક દિનના સમારંભમાં અવરોધો ઊભા થવાની આશંકા વ્યક્ત કરીને સરકારે તેને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. વધુમાં ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કૃષિ કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટે રચેલી સમિતિ સમક્ષ હાજર નહીં થાય.
ખેડૂત નેતા બલદેવસિંહ સિરસા એનઆઈએ સમક્ષ હાજર ન થયા
અન્ય એક ખેડૂત સંગઠન કિસાન યુનિયનના નેતા દર્શનપાલ સિંહે આક્ષેપ કર્યો હતો કે ખેડૂત આંદોલનનો ભાગ છે આૃથવા આંદોલનનું સમર્થન કરી રહેલા લોકો સામે એનઆઈએ કેસ કરી રહી છે. બધા જ ખેડૂત સંગઠનો આ કાર્યવાહીની ટીકા કરે છે. એનઆઈએએ શનિવારે પ્રતિબંિધત સંગઠન ‘શીખ્સ ફોર જસ્ટિસ સંગઠન’ સાથે સંકળાયેલા એક કેસમાં ખેડૂત નેતા બલદેવસિંહ સિરસાને સમન્સ પાઠવ્યું હતું. જોકે, સિરસાએ સ્વાસ્થ્યના કારણોસર રવિવારે પૂછપરછ માટે એનઆઈએ સમક્ષ હાજર નહીં થઈ શકે તેમ કહ્યું હતું.
સુપ્રીમે રચેલી સમિતિની પહેલી બેઠક મંગળવારે
નવા કૃષિ કાયદાઓ મુદ્દે ખેડૂતો અને સરકાર વચ્ચે સર્જાયેલી મડાગાંઠ દૂર કરવા સુપ્રીમ કોર્ટે રચેલી સમિતિ પુસા કેમ્પસમાં તેની પહેલી બેઠક 19મી જાન્યુઆરીએ યોજાશે તેમ સમિતિના સભ્ય અનિલ ઘનવતે જણાવ્યું હતું. ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ ભુપિન્દરસિંહ માન સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ચાર સભ્યોની સમિતિમાંથી બહાર નીકળી ગયા છે ત્યારે ઘનવતેએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અન્ય કોઈ સભ્યની નિમણૂક નહીં કરે તો ત્રણ સભ્યોની બેઠક યોજાશે અને સમિતિ 21મી જાન્યુઆરીથી તેનું કામ શરૂ કરશે.
ખેડૂતો કાયદાની જોગવાઈઓ પર ચર્ચા કરે : કૃષિ મંત્રી તોમર
દરમિયાન 19મી જાન્યુઆરીએ ખેડૂતો અને સરકાર વચ્ચે 10મા રાઉન્ડની વાટાઘાટો યોજાવાની છે તે પૂર્વે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વધુ એક વખત એક જ ગાણું ગાતા કહ્યું હતું કે કૃષિ કાયદા પાછા ખેંચવા સિવાય ખેડૂતો કોઈપણ સુધારા સૂચવે તો તેના પર વિચારણા કરવા માટે સરકાર તૈયાર છે. તેમણે ઉમેર્યું કે ખેડૂતો કૃષિ કાયદા પાછા ખેંચવાની માગ પરથી હટવા જરા પણ તૈયાર નથી. અમે તેમને વારંવાર આગ્રહ કર્યો છે કે તેઓ કાયદાની પ્રત્યેક જોગવાઈ પર ચર્ચા કરે અને તેમને જ્યાં વાંધો હોય તેમાં અમે સુધારા કરવા માટે તૈયાર છીએ. તેઓ કાયદા રદ કરવા સિવાય કયો વિકલ્પ ઈચ્છે છે તે અમને જણાવે. અમે તેના પર વિચારણા કરીશું.