ગાંધીનગરગુજરાત

રાજ્યની પ્રા.શાળાઓમાં 18મી ફેબ્રુ. થી ધો. 6થી 8ના વર્ગો પુનઃ શરૂ કરાશે.

ગાંધીનગર :

રાજ્યમાં આગામી ગુરૂવાર તારીખ 18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6થી 8ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ 6થી 8 માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે, તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે.

શિક્ષણ સચિવ વિનોદ રાવે આ ઠરાવના સંદર્ભમાં વધુ વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ 6થી 8ના વર્ગોમાં ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. સાથે આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડ લાઇન્સ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગની તારીખ 8મી જાન્યુઆરી-2021ના જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું છે. આ હેતુસર તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને શાળાઓ SOPનું પાલન અવશ્ય કરે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ પણ શિક્ષણ સચિવે જણાવ્યું હતું.

રાજ્યના આરોગ્ય વિભાગની સઘન કામગીરીને પગલે હવે કોરોના સંક્રમણ ઘટ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગખંડો પુનઃ શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસિસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા-શાળાઓએ ચાલુ રાખવાની રહેશે.

રાજ્ય સરકારે કોરોના સંક્રમણ દરમિયાન પણ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેની કાળજી લીધી હતી. કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં ત્યારબાદ ક્રમશઃ વર્ગખંડ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે તારીખ 11 જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ 10-12 અને સ્નાતક અનુસ્નાતક કક્ષાના અંતિમ વર્ષના વર્ગખંડ શરૂ કરવામાં આવ્યા છે. ધોરણ 9 અને 11ના વર્ગખંડો તારીખ 1લી ફેબ્રુઆરીથી પુનઃ શરૂ થઈ ગયા છે. તેમજ તારીખ 8મી ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. ધોરણ 9થી 12ના વર્ગોમાં શરૂઆતના તબક્કે 40 ટકા જેટલા વિદ્યાર્થીઓ આ વર્ગખંડ શિક્ષણમાં જોડાયા હતા, તે સંખ્યા હવે વધીને 70થી 72 ટકા જેટલી થઈ ગઈ છે.

SOP જાહેર કરવામાં આવી

 • તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનિંગ સુનિશ્ચિત કરવાનું રહેશે
 • જમવાના રૂમમાં/કિચનમાં પૂરેપૂરી સ્વચ્છતા જાળવવાની રહેશે.
 • વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે રૂમમાં ભોજનની વ્યવસ્થા સરળ અને વિનાવિલંબે ઉપલબ્ધ થઇ શકે તે રીતે ગોઠવણ કરવાની રહેશે.
 • સ્કૂલના કેમ્પસમાં કોઇ ભીડ ન થાય તે રીતે આયોજન કરવાનું રહેશે અને તે માટે વિદ્યાર્થીઓની સંખ્યાને યોગ્ય રીતે મર્યાદિત કરવાની રહેશે. આ માટે વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવાના રહેશે.
 • વિદ્યાર્થીઓ કેમ્પસમાં સ્વંય-શિસ્ત અને કોવિડ સંબંધિત કાળજીભર્યા વર્તનનું પાલન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
 • વિદ્યાર્થીઓએ નિયમિત અને યોગ્ય રીતે હાથની સ્વચ્છતા જાળવવી, સામાજિક અંતર જાળવવું, આંખ, નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળવું, હંમેશા ફેસ માસ્ક પહેરવુંનું પાલન કરવાનું રહેશે.
 • સ્કૂલના દરેક ફલોર પર સેનિટાઇઝર આપવાના રહેશે તથા વિદ્યાર્થીઓ/સ્ટાફ સાથે વસ્તુઓની આપ-લે કર્યા પછી, દિવાલો, દરવાજા, દરવાજાના હેન્ડલ, સીડીની રેલીંગ, સ્વીચો વગેરે જેવી સપાટીઓને સ્પર્શ કર્યા પછી સેનિટાઇઝરનો ઉપયોગ કરવો હિતાવહ છે
 • કોવિડથી સાવચેતીના ભાગ રૂપે સ્વ-શિસ્તની બાબત તરીકે વોશરૂમનો ઉપયોગ કરતી વખતે પણ સામાજિક અંતરનાં ધોરણોનું પાલન અપેક્ષિત છે.કોરિડોરમાં સામાજિક અંતર જાળવવું જોઇએ, કોઇ વિદ્યાર્થીઓના મેળાવડાની મંજૂરી આપી શકાશે નહી.
 • સ્કૂલ બિલ્ડીંગના કોઇપણ ભાગમાં ભેગા થવાની મંજૂરી આપવાની નથી અને વિદ્યાર્થીઓએ પણ ગ્રુપમાં મળવાનું ટાળવું જોઇએ.
 • સ્કૂલની બહાર અને સ્કૂલના બગીચામાં, વિદ્યાર્થીઓએ ભેગા થવાનું અથવા ગ્રુપમાં બેસવાનું ટાળવું જોઇએ.
 • તમામ પ્રકારની રમતો જેમાં શારીરિક સ્પર્શ થઇ શકે તેવી રમતોને રમવાની મંજૂરી નથી, કેમ્પસમાં જિમ સુવિધા પણ બંધ રહેશે.
 • ભોજનાલયમાં સંપૂર્ણ કોવિડ-19 નિયમોના પાલનની ખાતરી કરવા માટે સ્લોટ-આધારિત કૂપન સિસ્ટમ દાખલ કરવું હિતાવહ છે.
 • વારંવાર ઉપયોગમાં લેવાતા વોટરરૂમના પોઇંટ્સ અત્યંત સંવેદનશીલ હોવાથી તેને સ્પર્શ કરતા પહેલા અથવા પછી હાથની સ્વચ્છતામાં સાવચેતી રાખવી જરૂરી છે.
 • હાથ દ્વારા ઓછામાં ઓછું સ્પર્શ થાય એ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી.માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને લાઇન પ્રણાલીનું યોગ્ય રીતે પાલન કરવું.
 • શંકાસ્પદ કેસોની જાણ કરવી: તાવ અને ઉધરસ અને શ્વાસની તકલીફ ધરાવતા કોઇ પણ વ્યકિતનો પ્રવેશ અટકાવવો, આવા કિસ્સાઓમાં સંબંધિત વિભાગને જાણ કરવી ફરજિયાત રહેશે.
 • આવા વ્યકિતને તરત જ નજીકની ક્વોરેન્ટીન સુવિધા ખાતે અથવા નજીકની કોવિડ હોસ્પિટલમાં લઇ જવાના રહેશે.
 • દરેકને પોતાની પાણીની બોટલ લાવવા અને જનરલ પાણીની બોટલ/મગ/ગ્લાસનો ઉપયોગ ટાળવા પ્રોત્સાહિત કરવા .
 • દરેક સંસ્થાએ નિયમિતપણે તેના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કર્મચારીઓના આરોગ્યની દેખરેખ રાખવી જોઇએ.
 • સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પણ તેમના સ્વાસ્થ્યની સ્વ-દેખરેખ રાખવા માટે તકેદારી લેવી.કોઇ સ્ટાફ અને વિદ્યાર્થીને અથવા તેમના કુટુંબના સભ્યોમાંથી કોઇને ચેપ લાગ્યો હોય/ કોવિડ-19ની સારવાર મળી હોય તે સ્વેચ્છાએ તેની પણ કરવી જોઇશે.
 • માંદગી/આરોગ્યના કોઇ પણ લક્ષણોના કિસ્સામાં કાર્યકારી સ્ટાફને ક્લિનિકલ સારવાર માટે નજીકની કોવિડ સારવાર સુવિધામાં મોકલવાના રહેશે.
 • કર્મચારીઓએ લંચ માટે તંત્ર દ્વારા આપવામાં આવેલ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું સખત પાલન કરવાનું રહેશે અને સિકયુરિટી ગાર્ડ અને મેસ સ્ટાફ દ્વારા ડાઇનિંગ હોલમાં વિદ્યાર્થીઓની સંખ્યા પર નજર રાખવાની રહેશે.
 • થર્મલ સ્કેનરો, સેનિટાઇઝર, વગેરેની પૂરતી વ્યવસ્થા રિસેપ્શન એરિયા સહિતના તમામ એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર ઉપલબ્ધ કરાવવાની રહેશે.
 • સ્કૂલ કેમ્પસની એન્ટ્રી/એકઝીટ પર લાઇનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ગેટ પર 6 ફુટના અંતર સાથે ચોક્કસ નિશાનો બનાવવા અને તેનું પાલન કરવું.
 • જો સંસ્થામાં એન્ટ્રી/એકઝીટ માટે એક કરતા વધુ ગેટ હોય તો ભીડ ન થાય તે માટે તમામ ગેટનો પૂરતી કાળજી સાથે ઉપયોગ કરવો.
 • વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કર્મચારીઓની સ્ક્રીનંગ, ફેસ માસ્ક પહેરીને, હાથનું સેનિટાઇઝિંગ વગેરે દરેક પ્રવેશ સ્થળોએ સુનિશ્ચિત કરવું આવશ્યક છે.
 • તાવ, ખાંસી અથવા શ્વાસ લેવામાં તકલીફના લક્ષણો ધરાવતા લોકોને અંદર પ્રવેશવાની મંજૂરી આપવી નહીં.
 • રાજ્ય સરકારે કોલેજોના પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડો શરૂ કરવા SOP શિક્ષણ વિભાગે અગાઉ જારી કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x