ભારતના દાવા સામે ચીનની નફ્ફટાઈ, કહ્યું ગલવાન હુમલામાં અમારા ચાર સૈનિકો મર્યા હતા, અતિક્રમણ ભારતે કર્યું હતું
બેઈજિંગ/નવી દિલ્હી
પૂર્વીય લદ્દાખમાં ગયા વર્ષે ગલવાન ખીણમાં ભારતીય જવાનો સાથેની અથડામણમાં તેના ચાર સૈનિકો માર્યા ગયા હતા તેવી કબૂલાત કરતાં ચીને ‘ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે’ની જેમ ભારત પર ગલવાન ખીણમાં અતિક્રમણ કરવાનો આરોપ મૂક્યો છે. ચીને એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો કે આ ગલવાન ખીણની ઘટનાનો ઓન-સાઈટ વીડિયો છે.
ગલવાન ખીણમાં અથડામણમાં માર્યા ગયેલા ચાર સૈનિકો સહિત પાંચ સૈનિકોનું ચીને સન્માન કર્યું હતું. બીજીબાજુ ચીનના સૈન્યે પેંગોંગ સરોવર વિસ્તાર પછી હવે ચીની સૈન્યે રેઝાંગ લા વિસ્તારમાંથી પણ પીછેહઠ કરી છે. આ સાથે ભારત અને ચીનના સૈન્યના અધિકારીઓ વચ્ચે શનિવારે સવારે બેઠક યોજાશે, જેમાં અને અન્ય મોરચાઓ પરથી પણ સૈનિકોને પાછા ખસેડવા અંગે ચર્ચા કરવામાં આવશે.
ચીની સૈન્યે દેશની પશ્ચિમી સરહદનું રક્ષણ કરવા બદલ બે અધિકારીઓ અને ત્રણ સૈનિકોનું સન્માન કર્યું હતું, જેમાં ચારને મરણોત્તર એવોર્ડ એનાયત કરાયા હતા તેમ ચીનની સત્તાવાર શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું. બીજીબાજુ ચીની સૈન્યે લદ્દાખમાં પેંગોંગ સરહદેથી પીછેહઠ કર્યા પછી શનિવારે ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરની ૧૦મા તબક્કાની વાટાઘાટો થવાની છે, જેમાં અન્ય વિસ્તારોમાંથી પણ પીછેહઠની પ્રક્રિયા પર વાટાઘાટો થશે. આ વાટાઘાટો ચીનના નિયંત્રણ હેઠળના મોલ્ડો સરહદ પોઈન્ટ પર થશે.
જોકે, આ બેઠકની પૂર્વ સંધ્યાએ જ ચીને શુક્રવારે એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો કે ભારતીય સૈનિકોએ ચીનની સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આથી ગલવાન ખીણમાં બંને દેશના સૈન્યો વચ્ચે સંઘર્ષ થયો હતો. બંને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચેની વાટાઘાટો પહેલાં ભારત પર અતિક્રમણનો આક્ષેપ ચીનના કૃત્યો પર શંકા ઉપજાવે છે.
દરમિયાન ચીની સૈન્યના દૈનિક શિન્હુઆ ડેઈલીએ જણાવ્યું હતું કે, જૂન ૨૦૨૦માં ગલવાન ખીણમાં ભારત સાથેના સરહદીય સંઘર્ષમાં તેમનું બલીદાન આપવા બદલ સેન્ટ્રલ મિલિટરી કમિશન ઓફ ચીન દ્વારા કારાકોરમ પર્વતોમાં ચીની ફ્રન્ટિયરના પાંચ અધિકારીઓ અને સૈનિકો નિયુક્ત કરાયા હતા.
બટાલિયન કમાન્ડર ચેન હોન્ગજુનને મરણોત્તર ‘બોર્ડર-ડિફેન્ડિંગ હિરો’નું ટાઈટલ અપાયું હતું જ્યારે ચેન શિઆન્ગરોન્ગ, શિઆઓ સિયુઆન અને વાંગ ઝુઓરાનને ફર્સ્ટ ક્લાસ મેરિટ એવોર્ડ એનાયત થયા હતા. ભારતીય સૈનિકો સાથેની અથડામણમાં ઈજાગ્રસ્ત થનારા કી ફાબાઓને સરહદના રક્ષણ માટે હીરો રેજિમેન્ટ કમાન્ડરનું ટાઈટલ અપાયું હતું. જોકે, ગલવાન ખીણની હિંસા સમયે ભારતે ચીનના ૪૦ સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો. આ અથડામણમાં ભારતના ૨૦ જવાન શહીદ થયા હતા.
દરમિયાન પૂર્વી લદ્દાખના પેંગોંગ સરોવર વિસ્તારમાંથી સૈનિકોની પીછેહઠની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. સૈન્ય સૂત્રોના જણાવ્યા મુજબ પેંગોંગ સરોવરની દક્ષિણે રેઝાંગ લા અને રેચિન લા વિસ્તારમાંથી પણ ચીની સૈન્યે પીછેહઠની પ્રક્રિયા શરૃ કરી દીધી છે. આ વિસ્તારમાં ઊંચા પર્વતો પર ભારતીય સૈન્યે વ્યૂહાત્મક રૃપે કબજો જાળવી રાખ્યો હતો. બંને દેશના સૈન્યો તરફથી ૧૦મી ફેબ્રુઆરીથી પીછેહઠની પ્રક્રિયા શરૃ થઈ હતી.
ચીને ગુરુવારે જણાવ્યું હતું કે, પૂર્વીય લદ્દાખ સરહદ પર અગ્રહરોળના મોરચાઓ પર તૈનાત ચીન અને ભારતના સૈનિકોની પીછેહઠની પ્રક્રિયા સુગમતાથી ચાલુ છે. ચીનના વિદેશ મંત્રાલયની પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે બંને દેશોના સૈનિકોની પીછેહઠની પ્રક્રિયા ચાલુ છે. અમને આશા છે કે પોત-પોતાના સૈનિકોની પૂર્ણ પીછેહઠની પ્રક્રિયા સુનિશ્ચિત કરવા બંને દેશ પારસ્પરિક સમજૂતીનું ધ્યાન રાખશે.