વિરાટ કોહલીને ઇંગ્લેન્ડ સામેની અંતિમ ટેસ્ટમાં અનેક રેકોર્ડ તોડવા માટેનીતક
ઇંગ્લેન્ડ સામે ગુરુવારથી શરુ થનારી ચોથી અને અંતિમ ટેસ્ટમાં રમવા ઉતરવા દરમિયાન ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અનેક નવા રેકોર્ડ કરશે.
સૌપ્રથમ તો તે ભારત વતી ટેસ્ટમાં સૌથી વધુ ૬૦ મેચમાં કેપ્ટન્સી કરવાના ધોનીના રેકોર્ડની બરોબરી કરશે. ત્રીજી ટેસ્ટ જીતવાની સાથે તે ધોનીનો ભારતની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ વિજયનો રેકોર્ડ તોડી ચૂક્યો છે.
આ ઉપરાંત તે કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૨,૦૦૦ રન પૂરા કરવાથી ફક્ત ૧૭ રન દૂર છે. તેનાથી આગળ ફક્ત ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ અને સાઉથ આફ્રિકાનો કેપ્ટન ગ્રીમ સ્મિથ જ છે. પોન્ટિંગના ૧૫,૪૪૦ રન છે અને સ્મિથના ૧૪,૪૭૮ રન છે.
કોહલી આ ઉપરાંત અંતિમ ટેસ્ટમાં સદી ફટકારે તો કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના રિકી પોન્ટિંગના રેકોર્ડને તોડશે. પોન્ટિંગે કેપ્ટન તરીકે ૪૧ સદી ફટકારી છે. કોહલીએ તેની છેલ્લી સદી ૨૦૧૯માં બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટમાં ફટકારી હતી.
આ ઉપરાંત જો ભારત અંતિમ ટેસ્ટ જીતે તો કોહલીનો કેપ્ટન તરીકેનો આ ૩૬મો વિજય હશે અને તે આ સિદ્ધિ નોંધાવનારા ક્લાઇવ લોઇડની બરોબરી કરશે. તેના પગલે તે સૌથી વધારે ટેસ્ટ જીતનારા કેપ્ટનોની હરોળમાં સંયુક્ત રીતે ચોથા ક્રમે આવી જશે. કોહલી આ ટેસ્ટ સિરીઝમાં સદી ફટકારી શક્યો નથી, જ્યારે ઇંગ્લેન્ડ વતી જો રુટ અને ભારત વતી રોહિત શર્મા અને અશ્વિને સદી ફટકારી છે.
કોહલીએ વર્તમાન સિરીઝમાં ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ બંને ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી.
વિરાટ કોહલી આ ઉપરાંત એવી પ્રથમ ભારતીય સેલિબ્રિટી બન્યો છે જેના ઇન્સ્ટાગ્રામ પર દસ કરોડથી વધારે ફોલોઅર છે. આ સિદ્ધિ મેળવનારો તે પ્રથમ ભારતીય ક્રિકેટર નહી વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. આ સિદ્ધિ સાથે કોહલી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લાયોનલ મેસી અને નેયમારની હરોળમાં આવી ગયો છે. કોહલી પછી અભિનેત્રી પ્રિયંકા ચોપરા ઇન્સ્ટાગ્રામ પર છ કરોડથી વધારે ફોલોઅર ધરાવે છે. કોહલી ઇન્સ્ટાગ્રામ ઉપરાંત ટવિટર અને ફેસબૂક પર પણ નોંધપાત્ર પ્રમાણમાં ફોલોઅર ધરાવે છે. તેના ટવિટર પર ચાર કરોડથી વધારે અને ફેસબૂક પર ૩.૬ કરોડથી વધારે ફોલોઅર છે.
વિશ્વની સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ પર્સનાલિટીમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઇન્સ્ટાગ્રામ પર ૨૬.૬ કરોડ ફોલોઅર ધરાવે છે.જ્યારે લોકપ્રિય ગાયક એડ્રિયાના ગ્રાન્ડ ૨૨.૪ કરોડ ફોલોઅર ધરાવે છે. જ્યારે ડબલ્યુડબલ્યુઇ સુપરસ્ટાર ટડ્વાઇન જોન્સન ૨૨ કરોડ ફોલોઅર ધરાવે છે.