પોસ્ટગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષની પરીક્ષાઓ 30 માર્ચ સુધીમાં લેવાશે
મુંબઈ :
મુંબઈ યુનિવર્સિટીએ થોડાં સમય પહેલાં જ એક પરિપત્રક બહાર પાડી આદેશ આપ્યો હતો કે માસ્ટર્સ લેવલની પ્રથમ વર્ષની તમામ પરીક્ષાઓ દસમી માર્ચ પહેલાં લઈ લેવી. જોકે આ આદેશ જાહેર થયાના ૧૦ દિવસની અંદર જ યુનિવર્સિટીએ ફેરપત્રક બહાર પાડી કૉલેજોને જણાવ્યું છે કે, આ પરીક્ષાઓ ૩૦ માર્ચ સુધીમાં લઈ શકાશે.
મુંબઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલ મોટા ભાગની કૉલેજોએ એમએ, એમકોમ, એમએસસીના એડમિશન ૧૫ જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કર્યા છે. ત્યારબાદ વર્ગ શરુ થયાં હતાં. જો પહેલાંના આદેશને અનુસારવામાં આવે તો ૧૦ માર્ચ સુધીમાં પરીક્ષા લેવી અર્થાત્ છ અઠવાડિયામાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવી પરીક્ષા માટે તૈયાર કરવા તે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે જ અયોગ્ય હતું. આથી તેનો અનેક શિક્ષકોએ વાંધો ઉઠાવ્યો હતો. જ્યારબાદ યુનિવર્સિટીએ સમયવધારો કરી આપ્યો છે.
હવે ૩૦મી માર્ચ સુધીમાં કૉલેજોએ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની રહેશે. જેથી વિદ્યાર્થી અને શિક્ષકોને ભલે થોડી પરંતુ રાહત મળી છે.