ગુજરાત

કેવડિયા : મોદી ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં હાજર, દેશની સુરક્ષાને લઇને સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા

કેવડિયા :

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આજે સવારે આગમન થયું હતું. જ્યાં તેમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વાગત કર્યું હતું. પીએમ એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટરથી તેઓ નર્મદાના કેવડિયા ખાતે પહોંચ્યા હતા. તેઓ હેલિપેડથી સીધા ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. દેશની સુરક્ષાને લઇને સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને ત્યાર બાદ કૉન્ફરન્સને સંબોધન કરશે.

શુક્રવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ કૉન્ફરન્સમાં પહોંચ્યા હતા
3 દિવસથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સ ચાલી રહી છે. ગઈકાલે શુક્રવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ કૉન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આજે વડાપ્રધાન આ કૉન્ફરન્સના સમાપન સમારોહમાં હાજર રહ્યા છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આ પ્રથમ અવસર છે કે, દેશના આર્મી, નેવી, એરફોર્સના વડા સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ ઉપસ્થિત રહ્યા છે.

અધિકારીઓને હેલિકોપ્ટરમાં કેવડિયા પહોંચાડ્યા
આર્મી-ડિફેન્સના અધિકારીઓને દિલ્હીથી સ્પેશિયલ એર ઇન્ડિયા પ્લેનમાં વડોદરા લવાયા હતા, જ્યાંથી સીધા હેલિકોપ્ટર માર્ગે કેવડિયા પહોંચાડી કારમાં ટેન્ટ સિટીમાં લઇ જવાયા હતા. હેલિકોપ્ટરના ફેરા મારી અધિકારીઓને કેવડિયા પહોંચાડવામાં આવ્યા હતા. ડિફેન્સની આ કોન્ફરન્સને લઈને હેલિકોપ્ટરોની અવારજવર સાથે, સંરક્ષણ મંત્રી, પીએમ અને દેશની સુરક્ષાને સંભાળતા ત્રણેય વડાઓ હાજર હોય છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટર દ્વારા ગરુડેશ્વર તાલુકો કેવડિયા વિસ્તારનો ડ્રોન ઝોન નક્કી કરી રિમોટ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

કાલે ઓલ ઈન્ડિયા કમાન્ડર કોન્ફરન્સમાં રક્ષામંત્રી આવ્યા હતા
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ બાદ ત્યાં રાષ્ટ્રીય કક્ષાની ઘણી કોન્ફરન્સનું આયોજન અગાઉ થયું હતું. ત્યારે હાલ ટેન્ટ સિટી-2 ખાતે આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સ ચાલી હતી, ચાર માર્ચથી કેવડિયા ટેન્ટ સિટી ખાતે આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સનો આરંભ થયો છે. આ કોન્ફરન્સ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ઉપસ્થિત રહ્યા હતા.

ભવિષ્યમાં યુદ્ધના સ્વરૂપમાં અપેક્ષિત પરિવર્તનો વિષે વાત કરી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા કમાન્ડર કોન્ફરન્સના વિવેચના સત્રો માટે સૈન્ય દળોના કમ્બાઇન્ડ કમાન્ડર્સ સાથે જોડાયા હતા. જ્યાં તેઓએ ઉદ્ઘાટન સંબોધન કરતા દેશની સુરક્ષા અને એના રક્ષણને અસર કરતા વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી હતી. તેમણે સૈન્ય સ્તરના જોખમના સંપૂર્ણ સ્વરૂપ, આ જોખમોનો સામનો કરવામાં સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ ભૂમિકા અને ભવિષ્યમાં યુદ્ધના સ્વરૂપમાં અપેક્ષિત પરિવર્તનો વિષે વિગતવાર વાત કરી હતી.

સૈનિકોના સાહસની સંરક્ષણ મંત્રીએ પ્રશંસા કરી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પૂર્વ લદાખમાં મડાગાંઠ દરમિયાન સૈનિકોએ દર્શાવેલા સાહસની પ્રશંસા કરી હતી અને એને બિરદાવ્યું હતું. આ પ્રસંગે સંરક્ષણ વિભાગ, સંરક્ષણ ઉત્પાદન, સંશોધન અને વિકાસ વિભાગના સચિવો તથા સંરક્ષણ સેવાના નાણાકીય સલાહકારે કમ્બાઇન્ડ કમાન્ડર્સ સાથે વિવિધ પ્રસ્તુત પાસાઓ પર તેમના વિચારો પણ વહેંચ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x