Uncategorized

મહાશિવરાત્રીએ ભક્તો શિવમંદિરોમાં વિશેષ પૂજા નહીં કરી શકે, લોકમેળા નહીં ભરાય

કોરોનાના સંક્રમણને કારણે મહાશિવરાત્રીએ શિવમંદિરોમાં વિશેષ પૂજા નહીં યોજવાનો મંદિરોના સંચાલકોએ નિર્ણય લીધો છે. સાથેસાથે વહીવટી તંત્રે પણ મેળા ન યોજવાનો નિર્ણય લીધો છે. આથી જિલ્લાના પંચદેવ મંદિર, ધોળેશ્વર મહાદેવ મંદિર, વાસણીયા મહાદેવ મંદિર સહિતનાં શિવાલયોમાં વિશેષ પૂજા સાથે લોકમેળા યોજાશે નહીં. કોવિડની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા સાથે ભક્તોને માસ્ક વિના પ્રવેશ નહીં આપવા સહિતના નિર્ણયો લેવાયા છે.

જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની ખાનગી અને સરકારી હોસ્પિટલોના કોવિડ વોર્ડ હાઉસફુલ થઇ ગયા હતા. તેનું પુનરાવર્તન સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં થતાં બે માસમાં જે પ્રતિદિન કોરોનાના 4થી 5 કેસ નોંધાતા હતા. તેમાં વધારો થતાં હાલમાં પ્રતિદિન કોરોનાના કેસ 13થી 14ની આસપાસ નોંધાઇ રહ્યા છે. ઉપરાંત કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના મોતનો સિલસિલો પુન: શરૂ થયો છે ત્યારે મહાશિવરાત્રી પર્વમાં જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં લોકમેળો ભરાતો હોય છે. આથી જો મહાશિવરાત્રીએ લોકમેળા ભરાય તો કોરોનાના સંક્રમણે વેગ મળી શકે છે. ઉપરાંત કોરોનાની પરિસ્થિતિ કન્ટ્રોલ બહાર જઇ શકે છે.

લોકમેળા નહીં ભરાય તો નાના વેપારીઓને નુકસાન :
1 વર્ષથી કોરોનાની મહામારીએ દરેક ક્ષેત્રમાં તેની અસર જોવા મળી રહી છે. તેમાંય લોકડાઉન પછી શરૂ થયેલા ધંધા રોજગારમાંથી હજુ મંદીનો માર દુર થતો નથી. તેમાં લોકમેળા નહી ભરાતા નાના વેપારીઓને મળતી રોજી રોટી બંધ થઇ જશે.

સાબરમતી નદી કિનારે આવેલા પ્રાચીન ધોળેશ્વર મહાદેવ મંદિરના રામસ્વરૂપ પૂરી મહારાજને મહાશિવરાત્રીએ વિશેષ પૂજાના આયોજન વિશે પૂછતાં જણાવ્યું છે કે માત્ર મંદિરના મહારાજ દ્વારા શિવલિંગની પૂજા કરાશે. અન્ય કોઈ વિશેષ પૂજાનું આયોજન કરાયું નથી. મંદિરમાં દર્શન કરવા આવનારા ભક્તોએ માસ્ક પહેરવો ફરજિયાત કર્યો છે. માસ્ક વિનાની કોઈ પણ વ્યક્તિને મંદિરમાં પ્રવેશ અપાશે નહીં.

કોવિડના નિયમોના પાલન સાથે ભક્તોે દર્શન કરશે : વૈજનાથ મંદિરના મહારાજ
સેક્ટર-21ના વૈજનાથ મહાદેવ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે દર વર્ષે મહાશિવરાત્રીએ રાત્રીના ચાર પ્રહરની પૂજા તેમજ દિવસ દરમિયાન અભિષેક સહિતની પૂજા કરવામાં આવે છે પરંતુ મહામારીને પગલે તમામ પ્રકારની વિશેષ પૂજાનું આયોજન કરાયું નથી. ઉપરાંત દર્શને આવતા ભક્તો કોવિડના નિયમોનું પાલન કરે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.

વાસણિયા મહાદેવ મંદિરમાં 4 પ્રહરી પૂજા કરાશે
વાસણિયા મહાદેવ મંદિરના પૂજારી સોમનાથભાઈએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજામાં રાત્રીએ ચાર પ્રહરની પૂજા કરવામાં આવશે. તે મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવશે. જ્યારે દર્શન માટે આવતા ભક્તો માટે કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે.

મેળામાં 200થી 250 વેપારી બેસતા હતા
લોકમેળામાં રમકડા, પ્લાસ્ટિકની ડોલ, સ્ટીલના વાસણ, ખુરશીઓ, લોખંડની વસ્તુઓ, કટલરી આઇટમ, નાસ્તો, રમતો સહિતના અંદાજે 200થી 250 જેટલા નાના વેપારીઓની હાટડીઓ લાગતી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x