ગુજરાતમાં વધુ વકર્યો કોરોના, બે મહિના બાદ 700થી વધુ કેસ
ગાંધીનગર :
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજારની નજીક પહોંચ્યો છે અને હાલ 3788 એક્ટિવ કેસ છે. જ્યારે 12 જાન્યુઆરી બાદ 700થી વધુ કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 710 કેસ નોંધાયા છે. જ્યારે 451 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આજે એકેય દર્દીનું મોત ન થતાં મૃત્યુઆંક 4,418 યથાવત રહ્યો છે. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 97.03 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 19 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી.
અત્યાર સુધી 17 લાખ 24 હજાર 805 લોકોને પ્રથમ ડોઝ અને 4 લાખ 25 હજાર 371 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રાજ્યમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો 1 માર્ચથી પ્રારંભ થયો છે. ત્યારે 60 વર્ષથી વધુ વયના લોકો અને 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓનું રસીકરણ હાથ ધરાયું છે. રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 10 હજાર 135 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.
રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 75 હજાર 907ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,418 યથાવત રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 67 હજાર 701 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3788 એક્ટિવ કેસ છે, જેમાંથી 49 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 3739 દર્દીની હાલત સ્થિર છે.