ગુજરાત માધ્ય. શિક્ષણ બોર્ડના 9 સભ્યોની ચૂંટણી જાહેર.
ગાંધીનગર :
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 9 સભ્યોની ચૂંટણી આખરે જાહેર કરવામાં આવી છે. બોર્ડ દ્વારા 9 સભ્યોને ચૂંટવા માટે 25 એપ્રિલના રોજ મતદાન થશે. ચૂંટણી અંગે બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે. જેને લઈને શિક્ષણ જગતમાં ચૂંટણી અંગેનો ધમધમાટ શરૂ થયો છે. આ વખતે બોર્ડની ચૂંટણી નિયત સમય કરતા 15 મહિના મોડી થશે. ચૂંટણી માટે ઉમેદવારો 24 માર્ચથી 3 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, હવે આગામી દોઢ મહિના સુધી શિક્ષણ વિભાગમાં ચૂંટણી અંગેનો ગરમાવો જોવા મળશે. અને બેઠકો અંકે કરવા એડીચોટીનું જોર લગાવવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોની મુદ્દત જાન્યુઆરી-2020માં પુર્ણ થઇ હતી. પરંતુ બોર્ડ દ્વારા જે તે વખતે ચૂંટણી યોજવાના બદલે સભ્યોની મુદ્દત લંબાવવામાં આવી હતી. ત્યાર બાદ કોરોનાના કપરા કાળના પગલે બોર્ડના સભ્યોની ચૂંટણી થઈ શકી ન હતી. આ દરમિયાન એક વર્ષ જેટલો સમય ચૂંટણી યોજ્યા વગર નિકળી ગયો હતો. જોકે, હવે બોર્ડ દ્વારા માર્ચમાં બોર્ડના સભ્યોની ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત કરી છે.
શિક્ષણ બોર્ડ દ્વારા જાન્યુઆરી-2020માં યોજાનારી ચૂંટણી કોરોનાના પગલે છેક એપ્રિલ-2021માં યોજવાની જાહેરાત કરી છે. બોર્ડ દ્વારા ચૂંટણી અંગેનું જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે. જે મુજબ બોર્ડ દ્વારા 16 માર્ચના રોજ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે અને સાથોસાથ ચૂંટણી અંગેનું જાહેરનામુ પણ બહાર પાડી દેવાયું છે. જાહેરનામા મુજબ 24 માર્ચના રોજ ઉમેદવારોના નામોની દરખાસ્ત મંગાવવાની જાહેર નોટીસ બહાર પડાશે. ત્યાર બાદ 3 એપ્રિલ સુધી ઉમેદવારોના નામોની દરખાસ્ત મોકલી શકાશે.
4 એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 5 એપ્રિલના રોજ સંવર્ગવાર નોંધાયેલા ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ થશે. 7 એપ્રિલના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે અને આ જ દિવસે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થશે. 25 એપ્રિલના રોજ મતદાન થશે અને 27 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાશે. 30 એપ્રિલના રોજ ચૂંટાયેલા ઉમેદવારોના નામ રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરાશે. આમ, 30 એપ્રિલ સુધીમાં ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયા પુર્ણ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે.