ISRO ની મદદથી બનાવ્યું ખાસ ટ્રાન્સમીટર, બટન દબાવતા જ કોસ્ટગાર્ડ કરશે મદદ
પોરબંદર:ગુજરાતમાં 1600 કિ.મી. લાંબા દરિયાકાંઠે મત્સ્યોદ્યોગ ધમધમી રહ્યો છે. આ ઉદ્યોગ સરકારને કરોડો રૂપીયાનું હુંડીયામણ રળી આપે છે અને સાથોસાથ અનેક લોકોને રોજગારીની તકો પણ પૂરી પાડે છે. મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા તેમજ દરિયામાં બનતા અકસ્માતોને અટકાવવા માટે અને મદદરૂપ થવા માટે ઈસરોની મદદથી ખાસ ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમીટર બનાવ્યું છે જે ટ્રાન્સમીટર બોટમાં લગાવવાથી આફતના સમયે માત્ર બટન દબાવવાથી સુરક્ષા એજન્સીઓ તેમની મદદે પહોંચી જશે.
બટન દબાવતા જ કોસ્ટગાર્ડ તેમની મદદે પહોંચી જાય છે
ગુજરાતના માચ્છીમારો જ્યારે દરિયામાં માચ્છીમારી કરવા માટે જાય તે સમયે બોટમાં આગની ઘટના બને, અથવા તો બોટ ડૂબવાની સ્થિતિમાં હોય તેમજ ખલાસી બિમાર હોય આવા સમયે માચ્છીમારોને મદદ મળતી નથી જેને કારણે મોટું આર્થિક નુકસાન થાય છે તો કેટલાક કિસ્સાઓમાં માચ્છીમારોને જીવ પણ ગુમાવવો પડે છે. માચ્છીમારોને મધદરિયે મદદ મળી રહે તે માટે ઈસરોની મદદથી ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમીટર બનાવવામાં આવ્યું છે. બોટમાં જો આ ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમીટર લગાવવામાં આવ્યું હોય તો તેનું બટન દબાવતા જ કોસ્ટગાર્ડ તેમની મદદે પહોંચી જાય છે.
31 માર્ચ સુધી સરકારની સબસીડીનો લાભ મળશે
આ ડિસ્ટ્રેસ ટ્રાન્સમીટરની કિંમત અંદાજે 11,000 રૂપીયા જેવી છે જેમાં સરકાર 90 ટકા જેવી સબસીડી આપે છે જેમાં બોટ માલિકોએ માત્ર 1050 રૂપીયા જેવી જ રકમ ભરવાની રહે છે આ માટે ફિશરીઝ વિભાગમાં તેનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે અને ત્યારબાદ આ ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમીટર બોટમાં લગાવવામાં આવે છે. પોરબંદરમાં 2700 બોટોમાંથી 105 બોટોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને 20 બોટોમાં અત્યારસુધી કાર્યરત કરી દેવામાં આવ્યું છે. આ યોજના 31 માર્ચ સુધી સરકારની સબસીડીનો લાભ મળશે ત્યારબાદ મળશે નહીં તેવું મદદનીશ ફિશરીઝ અધિકારી આર.બી. બાજપાઈએ જણાવ્યું હતું.
આ ડેટ મશીન સેટેલાઈટ થ્રુ ઓપરેટ થાય છે
બોટમાં લગાવવામાં આવતું ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમીટર એટલે કે ડેટ સેટેલાઈટ થ્રુ ચાલે છે. ડેટનું સંપૂર્ણ મોનીટરીંગ ચેન્નાઈ ખાતેથી કરવામાં આવે છે. માચ્છીમાર 1 બટન દબાવે તો બોટના રજીસ્ટ્રેશન અને માલિકની વિગત તેમજ ક્યા સ્થળે બોટ છે તેનું લોકેશન પણ મળી જાય છે અને આ મેસેજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓને મોકલવામાં આવે છે જેથી તે તુરંત જ બોટની મદદે પહોંચી જાય છે.
માચ્છીમારો સુરક્ષાને લઈને જાગૃત થાય
મધદરિયે બનતી બોટ અકસ્માતના બનાવો અટકાવવા માટે સરકારે આધુનિક સિસ્ટમો બનાવી છે જેમાં ડેટનો ઉપયોગ કર્યો છે, માચ્છીમારોમાં જાગૃતતાના અભાવે પોરબંદરની જ વાત કરીએ તો 2700 માંથી માત્ર 105 બોટનું જ રજીસ્ટ્રેશન થયું છે. લાખો રૂપીયાનું આર્થિક નુકસાન અને માચ્છીમારોને જીવ ગુમાવવો ન પડે તે માટે બોટમાં આ ડેટ લગાડવું જરૂરી છે.