ગાંધીનગર

લવ જેહાદ મામલે કડક કાર્યવાહીનો અમલ થશે વિધાનસભામાં બિલ રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા

ગાંધીનગર :
ગુજરાત વિધાનસભામાં આજે હયાત કાયદો ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં લવ જેહાદ (love jihad) મામલે કડક કાર્યવાહીનો અમલ થશે. ત્યારે બિલ રજૂ કરતા સમયે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા 1 કલાક ને 11 મિનિટ લવ જેહાદ બિલ મુદ્દે બોલ્યા હતા. ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા  એ કહ્યું કે, મારી જિંદગીનું મોટામાં મોટું કામ થયું હોય હોવાનું મને આજે લાગ્યું છે. મારા જીવનમાં ઘણા અગત્યના કામો કરવાનો મને મોકો મળ્યો છે. આજે મારા જીવનનું હુ એક મહત્વનું કામ કરવા જઇ રહ્યો છું. આપણી દીકરીઓ પારકી થાપણ કહેવાય, તેને જેહાદીનાં હાથમાં ન જવા દેવાય. દીકરીને હુન્દુ સમાજ કાળજાના કટકા સમાન ગણે છે. ગૌ હત્યા પ્રત્યેનો કાયદો પણ અગાઉ લવાયો છે. દીકરીઓને કસાઈઓના હાથમાં જતી બચાવવા માટે ગૃહમાં કાયદો લાવ્યા છીએ. સરકાર આંખ મિચમના કરે એવી સરકારની માનસિકતા નથી.
એક કલાક કરતા વધુ સમયથી ગૃહમાં ધર્મ સ્વતંત્ર સુધારા બિલ પર ગૃહરાજ્ય મંત્રીએ ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે અત્યંત સ્ફોટક નિવેદનો કર્યો હતા. આ સુધારા વિધયેક ગુજરાતમાં કેમ જરૂરી છે તે અંગે તેમણે માહિતી આપી હતી. તેમણે વધુમાં કહ્યું કે, કેટલાક રાજ્યોમાં નિકાહ માટેનું ધર્માંતરણ બિનજામીન પાત્ર ગુનો છે. હિંદુ એ ધર્મ નહીં પણ સંસ્કૃતિ છે, જીવન જીવવાની પદ્ધતિ છે. આપણી સંસ્કૃતિનું જતન કરવાવાળા રહ્યા છીએ. ભારતને આંતરિક રીતે ખોખલો કરવાની માનસિકતાવાળા લોકો આપણી સાંસ્કૃતિક ધરોહર પર હુમલો કરે છે. લવજેહાદથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. ફક્ત ભારત નહિ, પણ બીજા અનેક દેશો લવજેહાદથી ત્રસ્ત છે. ગુજરાતમાં ક્યારેય ઓનર કિલિંગની ઘટના બનતી નથી. પ્રેમ લગ્ન સામે વિરોધ નથી, પણ ધર્માંતરણના આશયથી પ્રેમના નાટક સામે વિરોધ છે. લવ જેહાદ શબ્દ એ 2009 માં કર્ણાટકમાં એક યુવતી પોતાના મુસ્લિમ બોય ફ્રેન્ડ સાથે ભાગી ગયા બાદ પ્રચલિત થયો હતો. ભારતને જે બોર્ડર પર હરાવી નથી શકતા, તેઓ આતંકવાદ કરે છે. સાંસ્કૃતિક ધરોહરને તોડવાના નવા રસ્તા તરીકે લવ જેહાદનો ઉપયોગ કરી રહ્યા છે. હિડન એજન્ડાને ગુજરાત તાબે નહિ થાય.
પીડિતના પરિવારજનો પણ ફરિયાદ કરી શકશે
તો બીજી તરફ, લવ જેહાદ માટે ફન્ડિંગ થતુ હોવાનો દાવો ગૃહરાજ્ય મંત્રીએ ગૃહમાં કર્યો છે. તેમણે કહ્યું કે, આરબ દેશોમાંથી હવાલાનાં મારફતે આ ફંડ ભારત પહોંચે છે. નવા કાયદામાં ફરિયાદ માત્ર પીડિત નહિ, પંરતુ પરિવારજનો પણ કરી શકશે. પીડિત સાથે લોહીના સંબંધ ધરાવનારા વ્યક્તિઓ પણ ફરિયાદ કરી શકશે. ડીવાયએસપી કક્ષાના કે‌ તેની ઉપરના પોલીસ અધિકારી જ‌ તપાસ કરી શકશે. ત્યારે હવે ગુજરાતમાં આવા કાયદા અંતર્ગત લગ્ન રદ કરવામાં આવશે.
ગૃહમાં ગૃહરાજ્ય મંત્રી બોલ્યા કે, ધર્માંતરણ કરાવી વિધર્મી યુવકો આપણી યુવતીઓને છેતરે છે. જેના બાદ યુવતીઓની જિંદગી દોજખ બની જાય છે. લવ જેહાદના નામે હિન્દુ યુવતીઓને ફસાવવામાં આવે છે. આલિયા માલિયા જમાલિયાઓ યુવતીઓને છેતરે છે. હિન્દુ યુવાનનું નામ અને રીતભાત બતાવીને પ્રેમ જાળમાં ફસાવવામાં આવે છે. આવી યુવતીઓને લગ્ન બાદ આત્મહત્યાનો કરવાનો વારો આવે છે. યુવક નારાછડી પહેરીને આવે જેથી યુવતીને લાગે છે કે તે હિન્દુ છે. તેમજ હિન્દુમાં ધર્મમાં માને છે તેવું પ્રસ્થાપિત કરે છે. હિન્દુ નામ ધારણ કરે છે. યુવતીનું ધર્મ પરિવર્તન કરાવવાનો યુવકનો આશય હોય છે. ત્યાર બાદ પાછા ફરવાનો કોઈ રસ્તો યુવતીઓને મળતો નથી. કેટલીક યુવતીઓ આત્મહત્યા કરે છે.
તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત અનેક સંસ્થાઓ વર્ષોથી આ બાબતે લડી રહી છે. દત્તાત્રેય હોસબોલેના નિવેદન તથા 26 ઓક્ટોબર 2020 માં ફરીદાબાદના કિસ્સાને પણ ટાંચતા પ્રદિપસિંહ જાડેજાએ બિલ રજૂ કરતા કહ્યું કે, આવો કાયદો હોત તો યુવક હિંમત ન કરત. બિન મુસ્લિમ વ્યક્તિનું ફક્ત લગ્ન માટેનું ધર્માંતરણ યોગ્ય નથી. ગુજરાતમાં 18 વર્ષથી નાની દીકરીઓ પર આવી જેહાદી ટોળકીઓ બળાત્કાર અને છેડતી કરતી હતી. અમે પોસ્કો એકટ હેઠળ આવી ઘટનાઓ સામે પગલાં ભર્યા હતા. નડિયાદમાં 20 વર્ષની યુવતી સાથે 44 વર્ષના વિધર્મી આધેડે બોગસ રીતે લગ્ન કર્યા હતા. જેમાં યુવતીનું કાઉન્સેલિંગ કરીને બોગસ લગ્ન સાબિત કર્યા હતા. આવી જ ઘટના પાલનપુરમાં પણ બની હતી. ખેડામાં 26 વર્ષની યુવતીએ વિધર્મી યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ કિસ્સામાં 1.5 વર્ષ બાદ ધર્માંતરણની ના પાડતી યુવતીને ઘરમાંથી કાઢી મૂકી હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. જેમાં મુસ્લિમ ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. આવી ઘટનાઓ બાદ સરકારે આ કાયદામાં સુધારાનો નિર્ણય લીધો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આવા નિકાહ કરાવનાર ધર્મ ગુરુઓની પણ ભાગીદારી હોય છે. આવા જેહાદી તત્વો છળ કપટથી લગ્ન કરે છે એટલું જ નહીં પણ ધર્મગુરુઓ પણ તેમાં સામેલ હોય છે. જુહાપુરાના રમઝાન ઈકબાલ કાઝીએ પિન્ટુ ઠાકોર નામ ધારણ કરીને હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેને આબુ ફરવા લઈ જઈ અંગત પળોનો વીડિયો ઉતારી બ્લેકમેલ કરી હતી. સમગ્ર કૌભાંડમાં ધાર્મિક ગુરુઓ આકાઓ પણ ભાગ હોય છે. લવ જેહાદ માટેનો કાયદો લાવવો એ અમારો રાજકીય હેતુ નથી. આ અમારી વ્યથા છે જેનાં કારણે અમે આ કાયદો બનાવી રહ્યાં છીએ. કેરળમાં ચર્ચના રિપોર્ટને ટાંચતા ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, ધર્માંતર બાદ યુવતીઓનો જેહાદી પ્રવૃતિઓમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે. મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા તથા પાકિસ્તાનમાં પણ કાયદો છે, જેમાં સજાની અલગ અલગ જોગવાઈ છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, ઓરિસ્સામાં આ પ્રકારના કાયદાઓ છે. મ્યાનમારમા 2 વર્ષ, નેપાળમા 3 વર્ષ, શ્રીલંકામાં 5 વર્ષ અને સૌથી વધુ સજાની જોગવાઈ પાકિસ્તાનમા 7 વર્ષથી ઉમરકેદ ની સજાની જોગવાઈ આ કાયદામા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x