સરકારે વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો,
સરકારે ગઈકાલ રાત્રે નાની બચતની વિવિધ યોજનાઓ પરના વ્યાજ દરોમાં જે ધરખમ ઘટાડો જાહેર કર્યો હતો તે પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. એટલે કે 1લી એપ્રિલથી વિવિધ બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો તે હવે નહીં થાય અને અગાઉના વ્યાજ દરો યથાવત જળવાઈ રહેશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21ના અંતિમ ત્રિમાસિક ગાળા પ્રમાણે જ નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યાજ દરો રહેશે.
નાણા મંત્રાલયે ગઈકાલ રાત્રે વિવિધ બચત થાપણો પરના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.સરકારે 1લી એપ્રિલથી અમલી બને તે રીતે બચત થાપણો પર વાર્ષિક ધોરણે મળતા વ્યાજના દરોમાં ધરખમ ઘટાડો કર્યો હતો. આ વ્યાજ દર 4 ટકાથી ઘટાડી 3.5 ટકા કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)પર વાર્ષિક ધોરણે મળતા 7.1 ટકા વ્યાજને પણ 0.6 બેસિસ પોઇન્ટ ઘટાડી 6.4 ટકા કરી દીધા હતા. આ તમામ વ્યાજ દરોમાં કરેલો આ ઘટાડો મોકૂફ રાખ્યો છે.