ગુજરાત

ગુજરાતના જામનગર એરબેઝ પર વધુ 3 રાફેલનું આગમન

ઈન્ડિયન એરફોર્સ (IAF)ના કાફલામાં જોડાવા માટે વધુ 3 રાફેલ ફાઈટર જેટ ભારત પહોંચ્યાં છે. ગુજરાત રાજ્યના જામનગર બેઝ પર રાત્રે લગભગ 11 વાગે આ વિમાનોએ લેન્ડિંગ કર્યું છે. ફ્રાંસથી નીકળ્યા બાદ કોઈપણ સ્થળે અટક્યા વગર ત્રણેય જેટ ભારત પહોંચ્યાં છે. માર્ગમાં UAEની મદદથી એમાં એર-ટુ-એર રીફ્યુલિંગ કરાવ્યું હતું.

આ સાથે જ ભારતમાં રાફેલની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. 11 રાફેલનો કાફલો અગાઉથી જ ફ્રાંસથી આવી ચૂક્યો છે. ન્યૂઝ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એપ્રિલના બીજા સપ્તાહમાં વધુ 7 રાફેલ આવી શકે છે. આ ઉપરાંત રાફેલનું ટ્રેનર વર્ઝન પણ ભારત આવશે.

ત્રણેય નવાં રાફેલને અંબાલામાં તહેનાત કરવામાં આવશે. અહીં રાફેલને પશ્ચિમી સરહદ પર પાકિસ્તાન વિરુદ્ધ ઝડપી કાર્યવાહી હાથ ધરવા માટે તહેનાત કરાશે. રસપ્રદ વાત એ છે કે અંબાલા એરબેઝ ચીનની સરહદથી 200 કિમી દૂર છે. અંબાલામાં 17મી સ્ક્વોડ્રોન ગોલ્ડન એરોઝ રાફેલનો પહેલો સ્ક્વોડ્રોન હશે.

રાફેલ ડીએચ (ટૂ-સીટર) અને રાફેલ ઇએચ (સિંગલ સીટર) આ બન્ને ટ્વિન એન્જિન, ડેલ્ટા-વિંગ, સેમી સ્ટિલ્થ ક્ષમતાની સાથે ચોથી જનરેશનનાં લડાકુ વિમાનો છે.

આ લડાકુ વિમાન માત્ર ઝડપી જ નહીં, પરંતુ પરમાણુ હુમલો કરવા માટે પણ સક્ષમ છે.

આ ફાઇટર જેટને રડાર ક્રોસ-સેક્શન અને ઇન્ફ્ર્રા-રેડ સિગ્નેચરની સાથે ડિઝાઈન કરાયું છે. એમાં ગ્લાસ કૉકપિટ પણ છે.

એમાં એક કમ્પ્યુટર સિસ્ટમ પણ છે, જે પાયલોટને આદેશ અને નિયંત્રણ કરવામાં મદદ કરે છે.

રાફેલમાં શક્તિશાળી M-88 એન્જિન લગાવાયું છે. રાફેલમાં એડવાન્સ્ડ એવિઓનિક્સ સૂટ પણ છે.

વિમાનમાં ઉપલબ્ધ રડાર, ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન સિસ્ટમ અને સેલ્ફ પ્રોટેક્શન ઉપકરણોની કિંમત સમગ્ર વિમાનના કુલ કિંમતના 30%ની છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x