કોરોનાની ઘાતકી અસરને લઇ આણંદના મલાતજ, પણસોરામાં અને ચાંગામાં સ્વૈચ્છિક લોકડાઉન
આણંદમાં સામાન્ય ચૂંટણીઓ બાદ કોરોના કાળ બની વિસ્તરી રહ્યો છે. કોરોનાની ઘાતકી અસરને લઈ મૃત્યુ આંક વધી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં દરેક ગામમાં 10થી વધુ શંકાસ્પદ કેસ જોવા મળતાં હોવાથી ગ્રામ્ય સ્તરે નાગરિકોમાં ચિંતા અને ભયનું લખલખું ફરી વળ્યું છે. આણંદના ડેમોલ, રૂપિયાપુરા, સારસા અને વિરસદ બાદ હવે મલાતજ, પણસોરા તેમજ આવતીકાલ 02 એપ્રિલથી ચાંગા ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. ગ્રામ્ય સ્તરે વકરતા કોરોનાને રોકવા સરકારી તંત્ર નિષ્ફળ રહ્યું હોવાથી સ્થાનિક આગેવાનો અને સરપંચો જાતે જ મોટા નિર્ણય લઈ કોરોનાના અટકાવમાં સ્વૈચ્છિક લોકડાઉનની બાથ ભીડી રહ્યા છે.
સોજીત્રા તાલુકા સતત શંકાસ્પદ કેસોમાં વધારો થઇ રહ્યો છે. સોજીત્રા તાલુકા મલાતજ ગામે એકા એક શંકાસ્પદ કોરોના કેસ વધ્યા હોવાથી ગ્રામજનો અને અગેવાનોએ પંચાયત સરપંચ અને સભ્યોને રજૂઆત કર્યા બાદ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. મહત્વનું છે કે ગામમાં પાંચ હજારથી વધુની વસ્તી છે અને 14થી વધુ શંકાસ્પદ કોરોના કેસ આવ્યા હોવાથી આ નાના ગામમાં ફફડાટ વ્યાપ્યો છે.
મલાતજ ગામમાં સવારે 6થી બપોરના 12 વાગ્યા સુધી વેપારધંધા ચાલુ રહેશે
મલાતજ ગ્રામ પંચાયત દ્વારા 01 એપ્રિલથી 15મી એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સવારે 6થી બપોરના 12 વાગ્યા સુધી વેપારધંધા ચાલુ રહેશે. ત્યારબાદ દુકાનો બંધ રહેશે તેમજગ્રામજનોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે, તેમજ માસ્ક પહેરીને બહાર નીકળવાનું રહેશે. નિયમોનો ભંગ કરનાર સામે પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
ઉમરેઠ તાલુકાના પણસોરા સહિત ગામમાં કોરોના સંક્રમણ બેકાબુ બની ગયું છે. જેમાં 50થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે. અત્યાર સુધી 04 વ્યકિતઓના શંકાસ્પદ મોત નિપજ્યા હોવાની માહિતી છે. ડાકોર માર્ગ પર આવેલા પણસોરા ચોકડી ખેડા અને આણંદ જિલ્લાના ગામો માટે વ્યાપાર મથક બની ગઈ છે. આ ચોકડી ઉપર 05 જેટલી હોસ્પિટલ આવેલી છે જ્યાં આસપાસના ગામોના અનેક દર્દીઓ આવી આવે છે. શટલ રીક્ષા અને બસ અને અન્ય વાહનો દ્વારા આવતા વેપારી, ગ્રાહકો અને દર્દીઓને લઈ સ્થાનિક સ્થિતિ ભયાવહ કથળી છે.
પણસોરા ગામે તારીખ 01/04 /2021થી 15/4/2021 સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું
જેને લઈ ગ્રામ પંચાયત અને સ્થાનિક વ્યાપારીઓ સાથેની મીટીંગ બાદ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયુ છે. ગ્રામ પંચાયત દ્વારા પણસોરા ગામના હોસ્પીટલ તથા મેડીકલ સ્ટોર સિવાય તમામ દુકાનદાર તથા લારીઓ વાળાને જાણ કરાઈ છે કે, કોરોના વાયરસ ફેલાવવાના અનુસંધાને પણસોરા ગામે કોપ્લેક્ષ તથા તમામ દુકાનો માં કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવા માટે પણસોરા ગામે તારીખ 01/04 /2021થી 15/4/2021 સુધી સવારે 6:00 કલ્લાકથી બપોરના 1:00 કલ્લાક સુધી દુકાનો ચાલુ રાખી શકાશે. તેમજ બપોરના 1:00 કલાક બાદ તમામ દુકાનો વ્યાપારિક સંકુલો સદંતર બંધ કરવા માટે પણસોરા ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે.
ચાંગા માં સવારે 4 કલાક અને સાંજે 3 કલાક બજાર ખુલ્લા
ચાંગા ગામમાં પણ કોરોનાનો સિકંજો મજબૂત થતા ગ્રામ પંચાયત અને અગ્રણીઓ ચેતી ગયા છે.ગામમાં 10 પોઝેટીવ કેસો છે અને જે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અગમચેતી ના ભાગ રૂપે આ સાર્વજનિક નિર્ણય સૌને સાથે રાખી લેવાયો હોવાનું સરપંચ દ્વારા જણાવાયુ છે.ગ્રામ પંચાયત ચાંગા ના પરિપત્ર મુજબ તારીખ 2/4/2021 ને શુક્રવાર થી તારીખ 13/4/2021 ને મંગળવાર સુધી ચાંગા ગામ ના તમામ ગ્રામ જનોને સ્વૈછીક રીતે લોક્કાઉન પાળવા જણાવાયું છે.ચાંગા ગામ ના તમામ દુકાનદારો ને પણ દુકાન સવારે 6:00 કલાકે થી સવારે 10:00 કલાક સુધી અને સાંજે 5:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા માટે ઉપરોક્ત સમય સિવાય દુકાનો ખુલ્લી ના રાખવા માટે સુચના આપવામાં આવી છે.