અમદાવાદની IIMમાં વધુ 15 કેસ પોઝિટિવ, કેમ્પસમાં કુલ ૧૧૭થી વધુ એક્ટિવ કેસ
શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના રોગચાળાએ માથું ઉંચક્યું છે અને દરરોજ કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં ગુરૂવારે નવા ૧૫ કેસ સહિત છેલ્લાં બે દિવસમાં કોવિડ-૧૯ના ૪૭ કેસ નોંધાયા છે અને IIM કેમ્પસમાં ૧૧૭થી વધુ એક્ટિવ કેસ હોવાનું જાણવા મળે છે. જોકે, IIMના સત્તાવાર સૂત્રોએ કહ્યું છે કે, કોરોનાના બે નવા કેસ નોંધાયા છે. જેમાં એક સ્ટુડન્ટ અને એક સ્ટાફ સહિત બે વ્યક્તિનો સમાવેશ થાય છે. કોરોનાના કેસોમાં થઈ રહેલા સતત વધારાને પગલે IIMના જૂના અને નવા કેમ્પસને માઈક્રો ક્ન્ટેનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.
IIMના વિદ્યાર્થીઓએ કોરોના થયો હોવા છતાં પરીક્ષામાં બેસવાનું હોવાથી કોરોનાથી સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓએ આ હકીકત છૂપાવી હોવાને કારણે તે સ્ટુડન્ટ ‘સુપર સ્પ્રેડર’ બન્યા હતા અને આ વિદ્યાર્થીઓને કારણે IIMમાં કોરોના વિસ્ફોટ થયો હતો. IIMમાં કોરોના રોગચાળો વધુને વધુ વકરી રહ્યો છે અને દરરોજ વધુને વધુ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર સહિત સ્ટાફ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. કોરોનાનો રોગચાળો વકરવાને પગલે IIMમાં ફફડાટ ફેલાયો છે.
ગત મંગળવાર સુધીમાં IIMમાં પ્રોફેસર્સ અને સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ સહિત ૭૦ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. AMC હેલ્થ વિભાગ દ્વારા IIM કેમ્પસમાં અને આસપાસા વિસ્તારોમાં RT PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને કોરોનાને વધુ વકરતો અટકાવવા માટે સાવચેતી અને અગમચેતીરૂપે IIM કેમ્પસની બહાર ગયેલાઓને ટેસ્ટ કર્યા વિના પ્રવેશવા દેવામાં આવતા નથી, તેમજ કેમ્પસની બહાર નીકળવાનું ટાળવા, સોશિયલ ડિસ્ન્ટન્સ જાળવવા સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે