દેશમાં કોરોનાનાં 81,398 નવા કેસો, છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ કેસો
દેશમાં કોરોનાને કારણે પરિસ્થિતી વધુ ખરાબ થઈ રહી છે. ગુરુવારે, 81,398 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, 50,384 દર્દીઓ સ્વસ્થ થયા અને 468 લોકોનાં મોત નીપજ્યાં. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે, સારવાર હેઠળ છે તેવા દર્દીઓની સંખ્યામાં એક જ દિવસમાં 30,543નો વધારો થયો છે.
ગુરુવારે નવા કેસની સંખ્યા 1 ઓક્ટોબર બાદ સૌથી વધુ હતી. ત્યારે 81,785 કેસ આવ્યા હતા. મૃત્યુઆંક પણ 450ને પાર કરી ગયો. આના એક દિવસ પહેલા 458 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
દેશમાં અત્યાર સુધીમાં લગભગ 1.23 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. લગભગ 1.15 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.63 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે એક્ટિવ કેસ વધીને 6.10 લાખ થઈ ગયા છે.