10 એપ્રિલ બાદ પણ સ્કૂલો ખૂલવાની શક્યતાઓ નહિવત્, ઓનલાઇન જ ભણવું પડશે
ગાંધીનગર :
રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં સંક્રમણ બેકાબૂ થયું છે; ત્યારે સરકારે રાજ્યનાં આઠ મહાનગરોમાં સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ 10મી એપ્રિલ સુધી બંધ કરી દીધું છે. કેસો વધતાં હવે 10મી એપ્રિલ બાદ પણ સ્કૂલો ફરીથી શરૂ થાય એની શક્યતાઓ નહિવત્ છે. હાલમાં સ્કૂલોમાં ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે.
પરીક્ષા પણ ઓનલાઇન લેવાશે?
સ્કૂલો બંધ થતાં વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણી રહ્યા છે; ત્યારે પરીક્ષાઓનું શું થશે એવા સવાલો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં થઈ રહ્યા છે. આ અંગે મદદનીશ જિલ્લા શિક્ષણાધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સ્કૂલો 10 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવી છે, પરંતુ કેસોની સંખ્યા જોતાં સ્કૂલ ખોલી શકાય એમ નથી. તેમ છતાં સરકાર તરફથી આદેશ આવશે તો સ્કૂલ ફરીથી શરૂ થશે, નહિતર વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ જ કરવો પડશે અને પરીક્ષા પણ ઓનલાઇન લેવાશે.
જાન્યુઆરી અને ફેબ્રુ.માં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું
આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી હતી.
આગામી 4 મેથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે
આગામી 4 મેથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી દૂર રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સમયે જો કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી, ખાંસી તેમજ ટેમ્પરેચર વધારે જણાશે તો તે વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડવામાં આવશે, જેથી અન્ય કોઈ વિદ્યાર્થીમાં સંક્રમણનો ભય ન રહે. જોકે હાલની સ્થિતિને જોતાં હવે બોર્ડની પરીક્ષા સમયે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમયે કેટલાક નવા નિયમો પણ અમલમાં લાવવામાં આવી શકે છે