રાજયમાં દર્દીઓની બેફામ લૂંટ કરતી હોસ્પિટલો અને ડૉક્ટરો પર અંકુશ લાદવા વિધાનસભામાં વિધેયક પસાર
ગાંધીનગર :
ગુજરાતમાં આરોગ્ય સેવાને ધંધો બનાવી દરિદ્ર નારાયણ એવા દર્દીઓને લૂંટવાની રાજ્યની ખાનગી હોસ્પિટલોનું હવે આવી બનશે. આવી હોસ્પિટલો દ્વારા વસૂલાતા બેફામ ચાર્જ ઉપરાંત ડીગ્રી વિનાના ડૉક્ટરોના ઉંટવૈદ્યા પર અંકુશ લાવવા વિધાનસભામાં વિધેયક પસાર કરાયું છે. આ વિધેયકનો અમલ ટુંક સમયમાં શરુ થશે. આરોગ્યને લગતા તમામ એકમો, પેથોલોજીકલ લેબોરેટરી અને હોસ્પિટલો તેમજ તેના નિર્ધારિત ચાર્જિસની માહિતી સરકાર તથા સામાન્ય લોકોને મળી રહેશે. તે ઉપરાંત રાજ્યની તમામ પ્રવર્તમાન તથા નવી શરુ થનારી હોસ્પિટલ, નર્સિંગ હોમ, લેબોરેટરી વગેરેનું રજિસ્ટ્રેશન હવે ફરજિયાત થશે.
વિધેયક પસાર-ખાનગી હોસ્પિટલોના ચાર્જ પર લગામ
રાજ્યમાં ઠેર ઠેર ખાનગી હોસ્પિટલો અને બોગસ ડોક્ટરોના નામની બૂમો પડી રહી છે. ત્યારે દર્દીઓને બેફામ લૂંટતી હોસ્પિટલો, ડૉક્ટરો અને દર્દીઓ પાસેથી વધુ રકમ વસુલવા અંગેની ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકારે વિધાનસભામાં વિધેયક પસાર કરી દીધું છે. આગામી દિવસોમાં તેનો અમલ શરુ થશે. રાજ્યને લાગુ પડતો ગુજરાત નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન અધિનિયમ-1949 રદ કરી આરોગ્ય સેવાના ઉદ્દેશો સિધ્ધ કરવા માટે ગુજરાત ચિકિત્સા સંસ્થા રજીસ્ટ્રેશન અને નિયમન અધિનિયમ-2021 પુન: અધિનિયમિત કરવાનું વિધેયક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં રજૂ કર્યું હતું.