ગાંધીનગર

ગાંધીનગર મનપા ચુંટણી : મત માંગવા નિકળેલા ભાજપના 3 ઉમેદવારને કોરોના, ગાંધીનગર ભાજપ બની જશે સુપર સ્પ્રેડર ?

ગાંધીનગર :
ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસ અનહદ વધી રહ્યા છે. વધતા જતા કોરોનાના કેસને ધ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો રીટ કરીને ગુજરાત સરકારને કોરોના નિયંત્રણમાં લેવા માટે કેટલાક નિર્દેશ કર્યા છે. જો કે ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની મોરવા હડફ બેઠકની પેટાચૂંટણી અંગે કેન્દ્રીય કે રાજ્ય ચૂંટણી પંચે કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા દર્શાવી નથી.
આ સંજોગોમાં જેમ ભૂતકાળમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અને ભારત ઈગ્લેન્ડ વચ્ચેની પ્રેક્ષકો સાથેની મેચ, અનેક લોકો માટે ધાતક સાબિત થઈ છે તે જ રીતે આ બન્ને ચૂંટણીઓ પણ અનેક લોકો માટે ધાતક સાબિત થઈ રહેશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમા ઉમેદવારી નોંધાવનારા ભાજપના ત્રણ ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોરોના થયો છે. જેમાં ગાંધીનગર ભાજપના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલને તો ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે જ તબિયત નાદુરસ્ત હતી. કોરોનાના લક્ષણોથી પિડાઈ રહેલા મહેન્દ્ર પટેલે કોઈ ટેકેદારને પોતે બિમાર હોવાનું જણાવ્યુ નહોતુ અને વાજતે ગાજતે ટોળુ લઈને ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા.
આવો જ બીજો કિસ્સો ભાજપના અન્ય બે ઉમેદવારો રાજુ પટેલ અને ગીતા પટેલ સાથે બન્યો છે. બન્ને ગાંધીનગરના અલગ અલગ વોર્ડના ઉમેદવારો છે. પણ બન્ને જણા ભાજપના ઉમેદવારો છે. રાજુ પટેલ ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવના ઉમેદવાર રાજુ પટેલ છે. જ્યારે ગીતા પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના ઉમેદવાર છે. આ બન્ને એટલે કે રાજુ પટેલ અને ગીતા પટેલ, ઘરે ઘરે ચૂંટણી પ્રચાર કરવા નિકળી પડ્યા હતા.
સ્વાભાવિક છે કે, કોરોના સંક્રમિત ઉમેદવારો તેમના ટેકેદારોને લઈને ઘરે ઘરે પ્રચાર કરવા સમયે અનેક લોકોને મળ્યા હશે. ખુદ ભાજપના જ કેટલાક આગેવાનોને તેમજ આગળ પડતા કાર્યકરોને મળ્યા હશે. આ તમામ લોકોના સ્વાસ્થ્ય સામે હવે જોખમ તોળાઈ રહ્યું છે.
ગાંધીનગરના કેટલાક બોલકા મતદારો તો કહી રહ્યાં છે કે, મત લેવા આવેલા ભાજપના ઉમેદવારો, ગાંધીનગરના અનેક મતદારોને કોરોનાની ગીફ્ટ આપીને જશે. મતની લ્હાયમાં બીજાની જીંદગી સાથે ખેલ ખેલી રહેલા આવા રાજકારણીઓને રાજ્ય ચૂંટણીપંચે કે પછી ભાજપે કોઈ શિક્ષા કરવી જોઈએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x